Jamnagar : જામનગરમાં કાલાવડ નાકા બહારના પુલ ઉપર ગઈકાલે રાત્રે એકાએક ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો, અને રોડની બંને તરફ એક કિલોમીટરથી વધુ લાંબી લાઈન લાગી ગઈ હતી. જેના કારણે અનેક વાહન ચાલકો ફસાયા હતા.
જોકે ગઈકાલે કોઈ મોટા ભારે વાહનો અહીંથી પસાર થયા ન હતા, પરંતુ કાર રીક્ષા ટુવિલર સહિતના અને વાહનો અટવાયા હતા, અને ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ ગઈ હતી. આ પૂલ ઉપર મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ભારે વાહનની અવરજવર સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, તેમ છતાં આ જોખમી પુલ ઉપર વાહનની અવરજવર મોટા પ્રમાણમાં થતી હોવાથી ગઈકાલે રાત્રિના ટ્રાફિકજામના દ્રશ્યને નિહાળીને તંત્ર દવારા ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. પોલીસ ટુકડીએ દોડી જઈ ભારે જહેમત લઈને આખરે એકાદ કલાક બાદ વાહન વ્યવહારને પૂર્વવત બનાવ્યો હતો.
જામનગર મહાનગરપાલિકાનું તંત્ર આજે વહેલી સવારે તાત્કાલિક અસરથી હરકતમાં આવી ગયું હતું, અને કમિશનરના જાહેરનામા ની સુચના સાથેના બોર્ડ મૂકી દેવામાં આવ્યા છે. એટલું જ માત્ર નહીં ભારે વાહનો અહીંથી પસાર ન થઈ શકે તે માટે લોખંડના જાડા એંગલો સાથેની આડશ પણ મૂકી દેવામાં આવી છે.