Image Source: Freepik
જામનગર શહેરમાં આઇપીએલ ની ક્રિકેટ ટુર્નામેન્ટ પર હારજીતનો સટ્ટો રમનારને શોધી કાઢી તેઓ સામે કડક હાથે કામ લેવા માટે પોલીસ તંત્ર કમર કસી રહ્યું છે, ત્યારે જામનગર શહેરમાંથી ગઈકાલે ક્રિકેટ મેચનો સટ્ટો રમતાં બે વેપારીઓ ઝડપાયા છે, જ્યારે ક્રિકેટના સોદાની કપાત લેનાર મુખ્ય બુકીને ફરારી જાહેર કર્યો છે.
જામનગરમાં પ્રથમ દરોડો ચાંદી બજાર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જયાંથી સતીષ ઉર્ફે સતીયો હરીશભાઈ મંગે નામના વેપારીને જાહેરમાં પોતાના મોબાઈલ ફોન ની ક્રિકેટ ની આઇડી પરથી આઈ.પીએલ.ની ક્રિકેટ મેચ પર સટ્ટો રમવા અંગે રંગે હાથ ઝડપી લીધો હતો, અને તેની પાસેથી 2,600ની રોકડ રકમ અને મોબાઈલ સહિતનો સાહિત્ય કબજે કર્યું છે.
પોલીસની પૂછપરછ દરમિયાન પોતે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58માં રહેતા રાકેશભાઈ નામના બુકી સાથે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
આઇપીએલના ક્રિકેટ અંગેનો બીજો દરોડો જામનગરમાં દિગવિજય પ્લોટ નંબર 25માં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં પોતાના મોબાઈલ ફોનની ક્રિકેટની આઈડી પરથી હાર-જીતનો સટ્ટો રમી રહેલા જીગ્નેશ રસિકભાઈ નાખવા નામના વેપારીને પોલીસે ઝડપી લીધો છે અને તેની પાસેથી રૂપિયા 1,300ની રોકડ રકમ અને મોબાઈલ ફોન વગેરે કબજે કરી લીધા છે.