જામનગર શહેરમાં ત્રણ બત્તી વિસ્તારમાં આવેલા એસબીઆઇ બિલ્ડીંગના પ્રથમ માળે એર કન્ડિશન મશીનના કોમ્પ્રેસરમાં એકાએક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી, અને એર કન્ડિશન મશીન તેમજ લાકડાની બારી વગેરે સળગવા લાગ્યા હતા.
રોડ પરથી આગની જ્વાળાઓ દેખાતાં ભારે દોડધામ થઈ હતી. 31 માર્ચની હિસાબની કામગીરીના કારણે રવિવારે બેંક ખુલી રહી હતી, જે દરમિયાન આ બનાવ બન્યો હતો. અને બેન્ક કર્મચારીઓમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આગ ના બનાવ અંગેની ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર વિભાગના સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ બેન્ક દ્વારા જ લગાવવામાં આવેલી ફાયર સિસ્ટમનો ઉપયોગ કરીને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ લીધી હતી. જેથી આગ વધુ પ્રસરતી અટકી હતી, અને બેંકના અંદરના ભાગે નુકસાન થતું અટકી ગયું હતું.