નવી દિલ્હી : ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ ચુકવણીના ક્ષેત્રમાં મોટી છલાંગ લગાવી છે. એસબીઆઈ રિસર્ચનો નવો રિપોર્ટ દર્શાવે છે કે યુપીઆઈ (યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ) હવે ભારતીયોમાં વ્યવહારનું સૌથી મહત્વપૂર્ણ માધ્યમ બની ગયું છે. સામાન્ય લોકો હોય કે ઉદ્યોગપતિઓ, નાના કે મોટા તમામ લોકો દ્વારા દરેક પ્રકારની ચુકવણીઓ યુપીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે.
રિપોર્ટ મુજબ, વર્ષ ૨૦૨૫માં જ, યુપીઆઈ વ્યવહારોનું સરેરાશ દૈનિક મૂલ્ય જાન્યુઆરીમાં રૂ.૭૫,૭૪૩ કરોડથી વધીને જુલાઈમાં રૂ.૮૦,૯૧૯ કરોડ અને ઓગસ્ટમાં રૂ.૯૦,૪૪૬ કરોડ થયું છે. તેવી જ રીતે, જાન્યુઆરી અને ઓગસ્ટ વચ્ચે સરેરાશ દૈનિક વોલ્યુમ ૧૨૭ મિલિયન વધીને ૬૭૫ મિલિયન થયું છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે એસબીઆઈ દેશની સૌથી મોટી રીમિટર (નાણાં મોકલતી બેંક) બની ગઈ છે, જેણે ૫.૨ અબજ વ્યવહારો કર્યા છે. આ બીજા ક્રમની સૌથી મોટી બેંક એચડીએફસી કરતા ૩.૪ ગણી વધુ રકમ છે. તે જ સમયે, યસ બેંક સૌથી મોટી લાભાર્થી બેંક રહી છે, જેણે લગભગ ૮ અબજ વ્યવહારો કર્યા છે.
યુપીઆઈ એપ્સ વિશે વાત કરીએ તો, ફોનપે મોખરે છે, ત્યારબાદ ગુગલ પે અને પેટીએમ આવે છે. રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે વ્યવહારોનો આટલો મોટો હિસ્સો ફક્ત થોડીક એપ્સ પર કેન્દ્રિત હોવાથી ભવિષ્યમાં ભારત-કેન્દ્રિત ફિનટેક નવીનતા માટે ખતરો ઉભો થઈ શકે છે. આ કારણોસર, દેશી કાઉન્ટર એપ અને એઆઈ -આધારિત માળખાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
નવા ડેટા અનુસાર, મહારાષ્ટ્ર ડિજિટલ ચુકવણીમાં ૯.૮% હિસ્સા સાથે નંબર વન રાજ્ય છે. તે પછી કર્ણાટક (૫.૫%) અને ઉત્તર પ્રદેશ (૫.૩%) આવે છે. યુપીઆઈ દ્વારા વેપારીઓને કરવામાં આવતી ચુકવણી (P2M)નો હિસ્સો ઝડપથી વધ્યો છે. જૂન ૨૦૨૦માં તે માત્ર ૧૩% હતો, જ્યારે જુલાઈ ૨૦૨૫માં તે વધીને ૨૯% થયો. વોલ્યુમની દ્રષ્ટિએ પણ તે ૩૯%થી વધીને ૬૪% થયો છે. આ નાણાકીય સમાવેશ અને ડિજિટલ ચુકવણીની ઊંડાઈ દર્શાવે છે.
રિપોર્ટ અનુસાર, રિટેલ મની એટલે કે યુપીઆઈ અને એટીએમ રોકડ ઉપાડમાં યુપીઆઈનો હિસ્સો નવેમ્બર ૨૦૧૯માં ૪૦%થી વધીને મે ૨૦૨૫ માં ૯૧% થયો છે. આનો સીધો અર્થ એ છે કે લોકો હવે રોકડ કરતાં UPIને પસંદ કરી રહ્યા છે.