વડોદરા, તા.19 વરણામા નેશનલ હાઇવે પરથી દારૃનો જથ્થો ભરેલું એક કન્ટેનર જિલ્લા પોલીસે ઝડપી પાડી ડ્રાઇવરની ધરપકડ કરી કુલ રૃા.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
વડોદરા-સુરત નેશનલ હાઇવે પરથી એક કન્ટેનર રાજસ્થાન પાસિંગનું પસાર થવાનું છે તેવી માહિતી મળતા વરણામા પોલીસ દ્વારા વરસાડા કટ પાસે વોચ ગોઠવવામાં આવી હતી. બાતમી મુજબનું કન્ટેનર આવતા પોલીસે તેને રોકી ડ્રાઇવરની પૂછપરછ કરતાં તે ગલ્લા તલ્લા કરતો હતો જેથી તેને સાથે રાખીને કન્ટેનરનું સીલ ખોલાવી તપાસ કરતાં આગળ નૂડલ્સ તેમજ નમકિનના બોક્સ હતાં. આ બોક્સ હટાવીને જોતા દારૃનો મોટો જથ્થો મળ્યો હતો.
પોલીસે રૃા.૨૫.૩૦ લાખ કિંમતની દારૃની ૬૩૩૬ બોટલો, કન્ટેનર તેમજ નૂડલ્સ અને નમકીનના રૃા.૧૪.૬૧ લાખ કિંમતના ૮૪૦ બોક્સ મળી કુલ રૃા.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઇવર સમીમ ઉમર મોહંમદ પઠાણ (રહે.ભાજલાકારોડ, રેલવે બ્રિજની પાસે, તા.તાવડું, જિલ્લો નુહ, હરિયાણા)ની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.