મુંબઈ : રશિયા તથા યુક્રેન વચ્ચે સમાધાનની શકયતા વધી જતા વૈશ્વિક સોનાચાંદી બજારમાં કિંમતી ધાતુના ભાવ રેન્જ બાઉન્ડ રહ્યા હતા. રશિયા તથા યુક્રેન વચ્ચે સંધિ કરાવવા હવે ડોનાલ્ડ ટ્રમ્પની દરમિયાનગીરી સાથે બન્ને દેશના પ્રમુખોની બેઠક યોજવા જઈ રહી છે ત્યારે કિંમતી ધાતુના ભાવમાં આગામી કેટલાક દિવસો દરમિયાન પાંખી વધઘટની શકયતા જોવાઈ રહી છે.
વૈશ્વિક સ્તરે સોનાની સેફ હેવન માગ હાલમાં નબળી પડી રહ્યાના સંકેતો મળી રહ્યા છે. વિશ્વ બજારમાં સુસ્ત વાતાવરણ વચ્ચે ઘરઆંગણે સોનાચાંદીમાં નરમાઈ જોવાઈ હતી. રશિયા તથા યુક્રેન વચ્ચે સમાધાન કરાવવામાં ટ્રમ્પ સફળ રહેશે તેવી શકયતાએ ક્રુડ તેલ નરમ પડયું હતું.
ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૯૯૧૬૮ મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૯૮૭૭૧ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ નરમ પડી રૂપિયા ૧૧૩૬૨૫ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૨૫૦૦ જ્યારે ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧૦૨૨૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૧૪૫૦૦ મુકાતા હતા. ડોલર સામે રૂપિયો મજબૂત બનતા તેને કારણે પણ ઘરઆંગણે સોનાચાંદીમાં ભાવ નરમ પડયા હતા.
વિશ્વ બજારમાં સોનું ઔંસ દીઠ ૩૩.૩૭ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૩૮.૧૦ ડોલર મુકાતી હતી. પ્લેટિનમ એક ઔંસના ૧૩૪૭ ડોલર જ્યારે પેલેડિયમ પ્રતિ ઔંસ ૧૧૩૩ ડોલર કવોટ થતું હતું. રશિયા-યુક્રેન વચ્ચે સમાધાન નહીં થાય ત્યાંસુધી કિંમતી ધાતુના ભાવ રેન્જ બાઉન્ડ રહેવાની ધારણાં મૂકવામાં આવી રહી છે.
રશિયા તથા યુક્રેન વચ્ચે સંધિ થશે તો રશિયા પરના પ્રતિબંધો દૂર થશે જેને કારણે વિશ્વ બજારમાં ક્રુડ તેલનો પૂરવઠો વધી જવાની ગણતરીએ ક્રુડ તેલના ભાવમાં નરમાઈ જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૨.૭૬ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૬ ડોલર મુકાતું હતું.