– નિસરાયા ગામની સીમમાં કાર્યવાહી કરાઈ
– 4 પોલીસ મથકોના 68 ગુનામાં પકડાયેલા દારૂની 41,007 બોટલોનો નાશ કરાયો
આણંદ : બોરસદ ડિવિઝનના અલગ અલગ ચાર પોલીસ મથકોના ૬૮ ગુનામાં પકડાયેલા રૂપિયા ૧.૦૪ કરોડ ઉપરાંતના દારૂના જથ્થા ઉપર આજે નિસરાયા ગામની સીમમાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.
જિલ્લા પોલીસ વડાએ વર્ષ ૨૦૨૪-૨૫માં પકડાયેલા વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ કરવા સૂચના આપતા બોરસદ તાલુકાના બોરસદ શહેર, ગ્રામ્ય, આંકલાવ અને ભાદરણ પોલીસ મથકમાં નોંધાયેલા વિદેશી દારૂ અંગેના કેસોમાં મુદ્દામાલના નિકાલ અર્થે હુકમો મેળવી બોરસદના પ્રાંત અધિકારીની મંજૂરી મેળવવામાં આવી હતી. જેમાં બોરસદ ડિવિઝનમાં આવતા ચાર પોલીસ મથકના ૬૮ ગુના પ્રોહિબિશન અંગેના નોંધાયા હતા. જેમાં પોલીસે દારૂની ૪૧,૦૦૭ બોટલો કબજે લીધી હતી. આજે આ તમામ વિદેશી દારૂનો જથ્થો બોરસદ તાલુકાના નિસરાયા ગામની સીમમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં રૂપિયા ૧,૦૪,૨૨,૫૭૩ના વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.