ગાંધીનગરની ક્રિષ્ના કોર્પોરેશનને કામ સોંપાયું
બગીચામાં હજૂ એમપી થિયેટર જ બનાવાયું : ટેન્ડર મુજબની રકમનું કામ નહીં થતું હોવાનો આક્ષેપ
આણંદ: બોરસદ પાલિકાએ બાગના નવિનિકરણ માટે રૂા. ૨૫.૪૨ લાખના ટેન્ડરથી ગાંધીનગરની ક્રિષ્ના કોર્પોરેશન કંપનીને કામ સોંપતા કામગીરી શરૂ કરાઈ છે. ત્યારે બાગમાં ટેન્ડર મુજબની રકમનો ખર્ચ થયો હોય એવું નહીં જણાતું હોવાનું નગરજનો આક્ષેપ કરી રહ્યા છે.
બોરસદ શહેરમાં પેવર બ્લોક, આરસીસી પાણીની ટાંકીઓ, રોડ રિ-સર્ફેસિંગ, ડ્રેનેજ લાઈન સહિતના કામોની સરકાર દ્વારા ગ્રાન્ટ ફાલવવામાં આવી છે. ત્યારે વહીવટદાર દ્વારા કામોના ટેન્ડર બહાર પાડીને કામની શરૂઆત પણ કરી દેવાઈ છે.
બોરસદના ચીફ ઓફિસર વિરાજ શાહે જણાવ્યું હતું કે, બોરસદ શહેરમાં આવેલા બગીચામાં પાલિકા દ્વારા રૂા. ૨૫.૪૨ લાખના ખર્ચે નવનિર્મિત ગાર્ડના કામની શરૂઆત કરી દેવાઈ છે. પાલિકાએ ગાંધીનગરની ક્રિષ્ના કોર્પોરેશન કંપનીનું ટેન્ડર મંજૂર કર્યું છે. જેમાં બાગમાં એમપી થિયેટર, કમ્પાઉન્ડ વૉલ, શૌચાલય તથા બ્લોકના કામનો સમાવેશ થાય છે. બોરસદના નગરજનોનોએ આક્ષેપ કર્યો છે કે, ગાર્ડનમાં રૂા. ૨૫.૪૨ લાખનું કામ થયું હોય તેવું પ્રથમ નજરે જણાતું નથી. માત્ર એમપી થિયેટર નવું બન્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. ત્યારે રૂપિયા ખર્ચાયા મુજબ કામ થાય તેની તકેદારી પાલિકા દ્વારા રાખવામાં આવે તેવી માંગણી લોકો કરી રહ્યા છે.