– વર્ષ-2009 માં છથી 7 વખત ડેમ ઓવરફ્લો થયો હતો
– 29,205 ક્યુસેક પાણીની આવકના કારણે ડેમના તમામ 59 દરવાજા 3 ફૂટ ખોલી નાંખવામાં આવ્યા
ભાવનગર : ઉપરવાસમાંથી આવી રહેલા પાણીના ધસમસતા પ્રવાહના કારણે સૌરાષ્ટ્રનો સૌથી મોટા શેત્રુંજી જળાશય ચોમાસાની સિઝનમાં ચોથી વખત છલકાયો છે. વર્ષ ૨૦૦૯ બાદ પ્રથમ વખત શેત્રુંજી ડેમ ચાર વખત ઓવરફ્લો થયો હોય તેવું બન્યું છે.
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના નાની રાજસ્થળી ગામ પાસે આવેલો જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આજે બુધવારે બપોરે ૧૨ કલાકે ૧૦૦ ટકા ભરાઈ જતાં પ્રથમ ૨૦ અને ત્યારબાદ બપોરે ૧૨-૧૫ કલાકે તમામ ૫૯ દરવાજા અબે ફૂટ ખોલી નાંખવામાં આવ્યા હતા. ઉપરવાસમાંથી ભારે આવકના પગલે પાણીની આવક ૨૯૨૦૫ ક્યુસેક થઈ જતાં દરવાજાને ત્રણ ફૂટ ખોલી આવક સામે તેટલા જ પ્રમાણમાં જાવક શરૂ કરાઈ હતી. ત્યારબાદ રાત્રિના સમયે પાણીની આવક ઘટીને ૧૫,૩૪૦ ક્યુસેક થતાં તમામ દરવાજા એક ફૂટ બંધ કરવામાં આવ્યા હતા.
શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં પાલિતાણા તાલુકાના પાંચ અને તળાજા તાલુકાના ૧૨ અસરગ્રસ્ત ગામોને એલર્ટ જાહેર કરી નીચાણવાળા વિસ્તારના ગામના લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવર ન કરવા તંત્રએ તાકીદ કરી હતી. જિલ્લા કલેક્ટરે પણ સોશિયલ મીડિયા થકી લોકોને એલર્ટ કર્યા હતા.
વર્ષ ૨૦૦૯માં શેત્રુંજી ડેમ છથી સાત વખત ઓવરફ્લો થયા બાદ ઓણ સાલ પ્રથમ વખત ડેમ ચાર વખત છલકાયો હોવાનું સિંચાઈ વિભાગના અધિકારી બાલધિયાએ જણાવ્યું હતું.
17 જૂને ડેમ પ્રથમ વખત ઓવરફ્લો થયો હતો
શેત્રુંજી ડેમ ચાલુ ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત ૧૭મી જૂને ઓવરફ્લો થયો હતો. ત્યારબાદ ૬ જુલાઈએ બીજી વખત, ૧૩મી જુલાઈએ ત્રીજી વખત અને આજે ૨૦મી ઓગસ્ટે ચોથી વખત ઓવરફ્લો થયો છે. જ્યારે વર્ષ ૧૯૬૫, ૧૯૭૦, ૭૧, ૭૬, ૭૭, ૭૯, ૮૦, ૮૨, ૮૩, ૮૮, ૯૦, ૯૪, ૨૦૦૨, ૦૫, ૦૬, ૦૭, ૦૮, ૧૦, ૧૧, ૧૩, ૧૫, ૨૦, ૨૧, ૨૨, ૨૩, ૨૪ અને વર્ષ ૨૦૨૫માં શેત્રુંજી ડેમ છલકાયો હતો.
નવ ડેમ ઓવરફ્લો થતાં દરવાજા ખોલાયા
રજાવળ ડેમમાં ૩૦,૪૫૧ ક્યુસેક, ખારોમાં ૨૦,૦૧૬ ક્યુસેક, માલણમાં ૯૬ ક્યુસેક, રંઘોળામાં ૨૧,૦૦૦ ક્યુસેક, હણોલમાં ૪,૭૧૩ ક્યુસેક, પીંગળીમાં ૫૩ ક્યુસેક, બગડમાં ૫૯૬ ક્યુસેક, રોજકીમાં ૧૫૭૬ ક્યુસેક અને કાળુભાર ડેમમાં ૩૦૦ ક્યુસેક પાણીની આવક-જાવક રહી હતી. રંઘોળા જળાશયમાં ૨૧ હજાર ક્યુસેક પાણીની આવક થતાં ૧૦થી ૧૨ દરવાજા ખુલી ગયા હતા. આ સાથે ઉમરાળા અને સિહોર તાલુકાના નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા હતા.
ડેમ વિસ્તારમાં અર્ધો ઈંચથી સાડા ચાર ઈંચ વરસાદ
શેત્રુંજી ડેમ વિસ્તારમાં ૭૦ મિ.મી., રજાવળમાં ૬૦ મિ.મી., ખારોમાં ૧૦૫ મિ.મી., માલણમાં ૯૦ મિ.મી., રંઘોળામાં ૨૦ મિ.મી., લાખણકામાં ૧૭ મિ.મી., હમીરપરામાં ૪૬ મિ.મી., હણોલમાં ૫૦ મિ.મી., પીંગળીમાં ૫૪ મિ.મી., બગડમાં ૫૫ મિ.મી., રોજકીમાં ૧૧૦ મિ.મી., જસપરા (માંડવા)માં ૧૫ મિ.મી. અને કાળુભાર ડેમમાં ૩૦ મિ.મી. વરસાદ થયો હતો.