વડોદરાઃ બરોડા ક્રિકેટ એસોસિએશન સાથે એમ.એસ.યુનિવર્સિટીએ એમઓયુ કર્યા બાદ આખરે ડી એન હોલ ક્રિકેટ મેદાનની કાયાપલટ થઈ છે.મેદાનમાં ઉગેલુ ઘાસ કાપીને મેદાનને પહેલા જેવુ બનાવી દેવાયું છે.મેદાનની ટર્ફ વિકેટ પણ બનીને તૈયાર થઈ ગઈ છે.
તેની સાથે સાથે બીસીએ દ્વારા યુનિવર્સિટીના ક્રિકેટરો માટે નેટ પ્રેક્ટિસની સુવિધા પણ ફરી ઉભી કરી દેવામાં આવી છે.
આમ યુનિવર્સિટીના ડી એન હોલ મેદાન પર લગભગ એક વર્ષ બાદ હવે ક્રિકેટ મેચોનું આયોજન શક્ય બનશે.યુનિવર્સિટીના તત્કાલિન વાઈસ ચાન્સલેર ડો.વિજય શ્રીવાસ્તવે બીસીએ સાથે એમઓયુ નહીં કરવાનો આદેશ આપ્યા બાદ યુનિવર્સિટીની આગવી ઓળખ ગણાતું ડી એન હોલ મેદાન નધણિયાતું થઈ ગયું હતું.
તેના પર સિઝન ક્રિકેટ રમાવાનું બંધ થઈ ગયું હતું.જોકે ડો.શ્રીવાસ્તવની વિદાય બાદ ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલે ૧૦ દિવસ પહેલા બીસીએ સાથે ત્રણ વર્ષ માટે ફરી એમઓયુ કર્યું છે અને તેના કારણે યુનિવર્સિટીની ક્રિકેટ ટીમને જીવતદાન મળ્યું છે તેમજ ડી એન હોલ મેદાન પણ ક્રિકેટ માટે સજ્જ થયું છે.એમઓયુના ભાગરુપે યુનિવર્સિટીમાં ક્રિકેટની તમામ સુવિધાઓ તથા ગ્રાઉન્ડની જાળવણી કરવાનું કામ બીસીએ દ્વારા થશે.બીસીએની ટુર્નામેન્ટની મેચો ડી એન હોલ ગ્રાઉન્ડ પર રમાશે.