Surat AAP : સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલા રાજકીય પક્ષના સભ્યો પાલિકાની મિલ્કતને પોતાની પક્ષની જાગીર સમજી રહ્યા છે. સુરતમાં આપના પ્રમુખે પાલિકાની મિલકતમાં વિરોધ પક્ષની કચેરીમાં પક્ષના સદસ્યતા અભિયાન લોન્ચ કરી દીધું હતું. જોકે, પાલિકાની મિલ્કતનો રાજકીય રીતે ઉપયોગ કરવામા આવ્યો હોવા છતાં પાલિકા તંત્ર કે શાસકોનું મૌન વિવાદનું કેન્દ્ર બની ગયું છે.
સુરત પાલિકાના વિરોધ પક્ષની કચેરીમાં આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદ સુરત પાલિકાના કોઈ મુદ્દા માટે કે પાલિકાની કોઈ કામગીરી માટે હતી નથી પરંતુ શહેરના આપના પ્રમુખે પક્ષની કામગીરી માટે પત્રકાર પરિષદ કરતા વિવાદ ઉભો થયો છે.
સુરતના આપના પ્રમુખ ધર્મેશ ભંડેરીએ આજે પાલિકામાં પત્રકાર પરિષદ કરી હતી અને તેમાં સુરત સહિત સમગ્ર ગુજરાતમાં થનારી ચૂંટણીમાં પક્ષ દ્વારા સદસ્યતા અભિયાન કરવામાં આવી રહ્યું છે તેની વાત મૂકી હતી. આ ઉપરાંત તેઓએ ઉમેદવારો માટે ફોર્મ બનાવ્યા હતા તે પણ લોન્ચ કર્યા હતા. આ સાથે તેઓએ માત્ર સુરત જ નહીં પરંતુ રાજ્યની તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા માટે સદસ્યતા અભિયાન શરુ કર્યું છે તેની માહિતી આપી હતી.
તેઓએ જણાવ્યું હતું કે સુરત પાલિકાની 120 બેઠક ઉપરાંત ગુજરાતમાં 10 હજાર બેઠક પર આપ ચુંટણી લડવા જઈ રહી છે એના માટે પક્ષ દ્વારા ફોર્મ બનાવવામા આવ્યા છે અને તે ફોર્મ સોશિયલ મીડીયા પર મુકાયા છે લોકો આ ફોર્મ ભરીને આપી શકે છે.
આમ પાલિકાની મિલ્કતને વિપક્ષ દ્વારા પક્ષની મિલકત સમજીને પક્ષની માહિતી માટે પત્રકાર પરિષદ કરી દીધી છે પરંતુ પાલિકા તંત્ર કે શાસકો દ્વારા કોઈ પ્રતિક્રિયા આપી ન હોવાથી અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.