Banas Dairy News : ગુજરાતની અગ્રણી અને એશિયાની સૌથી મોટી ડેરી સહકારી મંડળી બનાસ ડેરી દ્વારા તેની 57મી વાર્ષિક સાધારણ સભામાં પશુપાલકો માટે એક ઐતિહાસિક જાહેરાત કરવામાં આવી છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ સભામાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બનાસ ડેરી તેના પશુપાલક સભ્યોને કુલ ₹2909.08 કરોડનો ઐતિહાસિક ભાવફેર ચૂકવશે, જેનાથી પશુપાલકોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.
ઐતિહાસિક ભાવફેરની જાહેરાત
આ ભાવફેરની રકમમાંથી બનાસ ડેરી દ્વારા સીધો ₹2131.68 કરોડનો ભાવફેર ચૂકવવામાં આવશે, જ્યારે દુધ ઉત્પાદક સહકારી મંડળીઓ દ્વારા ₹778.12 કરોડનો ભાવફેર ચૂકવાશે. આ રીતે કુલ ₹2909.8 કરોડનો કુલ નફો પશુપાલકોને મળશે. ગત વર્ષે ચૂકવાયેલા ₹1973.79 કરોડના ભાવફેરની સરખામણીએ આ વર્ષે ભાવફેરની રકમમાં મોટો વધારો થયો છે.
આ અવસરે બનાસ ડેરીની પ્રગતિની પણ માહિતી આપવામાં આવી. ડેરીએ ₹21,200 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું છે અને દૈનિક 1 કરોડ લિટર દૂધની પ્રોસેસિંગ ક્ષમતા ધરાવે છે. બનાસ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં લેવાયેલા આ નિર્ણયથી પશુપાલકોની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે અને તેમને વધુ દૂધ ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહન મળશે. બનાસ ડેરીએ સહકારી ક્ષેત્રે નવા શિખરો સર કર્યા છે.