– પિતા-પુત્ર વાડીએથી ઘરે બાઈક પર આવી રહ્યાં હતા
– અકસ્માત માટે પંકાયેલા તળાજા-ત્રાપજ સુધીના માર્ગ પર બાઈક અને કાર વચ્ચે અકસ્માત
તળાજા : અકસ્માત માટે પંકાયેલા તળાજા-ત્રાપજ હાઈ-વે પર ફરી આજે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં એકનું મોત થયું છે. જ્યારે અન્ય એકને ગંભીર ઈજા પહોંચી છે. બનાવ અંગે અલંગ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગોઝારા અકસ્માત માટે પંકાયેલા તળાજા-ત્રાપજ સુધીનો માર્ગ પર આજે ફરીને અકસ્માત સર્જાયો છે. બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોર બાદ ત્રાપજ ગામના ભરતભાઈ ભગવાનભાઈ વાઘેલા (ઉ.વ.૫૫) અને તેમના પુત્ર વિશાલભાઈ બન્ને બાઈક પર સવાર થઈ વાડીએથી ઘર તરફ આવી રહ્યાં હતા. તે સમયે પીપાવાવ તરફથી આવે રહેલી એક કાર સાથે તેમની બાઈકનો અકસ્માત થતાં બાઈક સવાર પિતા-પુત્ર ફંગાળાતા બન્નેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમને ઈમર્જન્સી ૧૦૮ મારફત સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભરતભાઈ વાઘેલાનું નિધન થયું હતું. બનાવની જાણ થતાં અલંગ પોલીસ ઘટના સ્થળે પહોંચી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.