– અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિકજામ
– ઈજા ગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
લીંબડી : લીંબડીના જીનરોડ પર એકાએક વૃક્ષ ધરાશાયી થતાં બાઈક ચાલકને ઈજાઓ પહોચી હતી. ઈજાગ્રસ્ત બાઇક ચાલકને રાહદારીઓ દ્વારા તાત્કાલિક સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિકજામ સર્જાયો હતો.
લીંબડી શહેરમાં એક અઠવાડિયામાં બીજુ વૃક્ષ ધરાશાયી થતાં સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. શહેરના જીન રોડ પર સાંજના સમયે એકાએક વૃક્ષ ધરાશાયી થતાં ત્યાંથી પસાર થતાં જીગ્નેશભાઈ ચંદ્રકાંતભાઈ જાની (રહે.આઝાદ ચોક)ને ઈજાઓ પહોચી હતી. જ્યારે આ બનાવને લઈને ત્યાંથી પસાર થતાં રાહદારીઓ તથા આસપાસના રહીશો દ્વારા જીગ્નેશભાઈની બચાવ કામગીરી હાથ ધરી સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે વિશાળ વૃક્ષ રોડ પર ધરાશાયી થતાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. તેમજ લોકોનાં ટોળાં ઉમટી પડયા હતા.
અઠવાડિયામાં બીજુ વૃક્ષ ધરાશાયી
એક અઠવાડિયા પહેલાં લીંબડી શહેરના ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે સુકાય ગયેલા ઘટાદાર વૃક્ષ ધરાશાયી થવાથી અકસ્માત સર્જાયો હતો. જેમાં બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. છતાંય તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં ન આવતાં વૃક્ષ ધરાશાયી થવાનો બીજો બનાવ સામે આવ્યો છે. હજુ પણ શહેરના તલસાણીયા બિલ્ડીંગ તથા રેલ્વે સ્ટેશન રોડ અને સુકાય ગયેલા વૃક્ષો ધરાશાયી થવાનો સ્થાનિક રહીશોમાં ભય સતાવી રહ્યો છે. જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ તે પહેલાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવે તેવી સ્થાનિક રહીશોની માંગ ઉઠી છે.