– ટેકનિશિયનના અભાવે એક્સ-રે મશીન ધૂળ ખાય છે
– બે એમબીબીએસ અને એક ડેન્ટલ સર્જન : પ્રસૂતિ સહિતની સારવાર માટે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર
નડિયાદ : નડિયાદ તાલુકામાં આખડોલ ગામમાં પીએચસીના સ્થાને રૂા. ૩ કરોડના ખર્ચે સામૂહિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે. સીએચસી કાર્યરત થયાને ઘણો સમય થવા છતાં ગાયનેક ડૉક્ટર સહિત નિષ્ણાંત તબીબોની સુવિધા નહીં હોવાથી સામુહિક આરોગ્ય કેન્દ્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે.
નડિયાદ તાલુકાના આખડોલ ગામમાં અગાઉ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના બદલે સામૂહિક આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવતા પંથકના લોકોને વિવિધ પ્રકારની આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે તેવી આશા હતી. અંદાજિત ૩ કરોડના ખર્ચે સુવિધા સજ્જ સીએચસીમાં દરરોજ ૮૦ ઉપરાંત સ્થાનિક તેમજ આજુબાજુના ગામોના દર્દીઓ ઓપીડી સેવાનો લાભ લઇ રહ્યા છે.
ત્યારે સીએચસીમાં માત્ર એક રેગ્યુલર અને બે કરાર આધારિત એમબીબીએસ ડોક્ટર, એક ડેન્ટલ સર્જન તેમજ ફિઝિયોથેરાપીની સેવા ઉપલબ્ધ છે. ડેન્ટલ સર્જન છે પરંતુ દાંતના એક્સરેની કોઈ સુવિધા નહીં હોવાથી દર્દીઓ ખાનગી લેબોરેટરીમાં ધક્કા ખાવા મજબૂર બન્યા છે. સીએચસીમાં ફિઝિશિયન, ગાયનેક ડોક્ટર, પિડિયાટ્રિક્સ કે સર્જન જેવા તબીબની સુવિધા નહીં હોવાથી પ્રજા માટે શોભાના ગાંઠિયા સમાન પુરવાર થયું છે. ડાયાલિસિસ માટેની પણ કોઈ સુવિધા ઉપલબ્ધ નથી.
સીએચસીમાં વર્ષો બાદ એક્સરે મશીન ફાળવાયું છે પરંતુ, મટિરિયલ કે ટેકનિશિયન નહીં હોવાથી એક્સ-રે મશીન ધૂળ ખાતું પડયું છે. ૩૦ ઈનડોર પેશન્ટની સુવિધાવાળા સીએચસીમાં તબીબી સ્ટાફ નહીં હોવાથી પ્રસૂતિ સહિતની સારવાર માટે દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં જવા મજબૂર બન્યા છે.
ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા આખડોલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફિઝિશિયન, ગાયનેક સહિતના નિષ્ણાંત તબીબો તેમજ એક્સ-રેના ટેકનિશિયનની નિમણૂક કરવા માંગણી ઉઠી છે.
આ બાબતે તાલુકા આરોગ્ય અધિકારીનો સંપર્ક કરતા તેઓએ ફોન રિસિવ કરવાનું ટાળ્યું હતું.