Bharuch Crime : જંબુસર બાયપાસ ચોકડી ખાતે રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે બે રીક્ષા ચાલકો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં એક રીક્ષા ચાલકે બીજાને ચાકુના ઘા મારતા ગંભીર રીતે ઘવાયેલ રીક્ષા ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવ સંદર્ભે ફરિયાદના આધારે ભરૂચ સીટી બી ડીવિઝન પોલીસે હુમલાખોર રીક્ષા ચાલક સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઇજાગ્રસ્ત નવસાદ અહેમદ પટેલ (રહે-રોશન પાર્ક સોસાયટી, જંબુસર બાયપાસ)એ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન કહ્યું હતું કે, હું તા.24 ઓગષ્ટની સાંજે જંબુસર બાયપાસ ચોકડી પાસે રીક્ષા લઇ ઊભો હતો. મારો નંબર હોવાથી હું પેસેન્જરને રિક્ષામાં બેસાડી રહ્યો હતો. તે વખતે લિયાકત બાપુએ રીક્ષા પેસેન્જર આગળ લાવી પોતાની રિક્ષામાં પેસેન્જરને બેસાડવા જતા મેં કહ્યું હતું કે, મારો નંબર છે તું કેમ પેસેન્જર બેસાડે છે. આ દરમ્યાન લિયાકત બાપુ અચાનક ઉશ્કેરાઈ જઈ અપશબ્દો કહી પોતાની રિક્ષામાંથી ચાકુ લાવી મને પેટ અને હાથના ભાગે ત્રણ ઘા માર્યા હતા. ઘા એટલો જીવલેણ હતો કે, આંતરડું બહાર આવી ગયું હતું. આસપાસથી મારા મિત્રો અને બીજા લોકો મદદે દોડી આવતા લિયાકત બાપુને પકડી મારો બચાવ કર્યો હતો. જ્યારે મારા મિત્ર હારુને તેની રિક્ષામાં સારવાર અર્થે મને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. બનાવ સંદર્ભે ઇજાગ્રસ્તના મિત્ર હારુનએ લીયાકત બાપુ (રહે-બાવરી,સલમાન બેકરી પાસે,ભરૂચ ગામ) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.