Vadodara : વડોદરાના હરણી રોડ વિસ્તારમાં ગઈ મોડી સાંજે અમૂલના ટેમ્પો ડ્રાઇવર તેમજ તેના સાગરીતોએ પતિ-પત્નીને ટક્કર મારવાનો પ્રયાસ કરી બંનેને દોડાવી દોડાવીને મારતા રોષે ભરાયેલા ટોળાએ એક હુમલાખોરને ઝડપી પાડ્યો હતો.
વારસિયાના હરેકૃષ્ણ ડુપ્લેક્સ ખાતે રહેતા પવન મોતી રામાણી નામના વેપારી યુવકે પોલીસને કહ્યું છે કે, ગઈકાલે હું મારી પત્ની સાથે સ્કૂટર ઉપર પાવાગઢ દર્શન કરી પરત ફરતો હતો ત્યારે હરણી લેકઝોન પાસે એક કાર આગળ જતી હોવાથી મેં બ્રેક મારી હતી. જેથી પાછળ આવતા અમૂલના ટેમ્પા ચાલકે મને હોર્ન સંભળાતું નથી તેમ કહી ટક્કર મારવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ હું મારી પત્નીને લઈ ટેમ્પોથી બચીને આગળ ચાલ્યો ગયો હતો. અમે એરપોર્ટ સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ પર ઉભા હતા ત્યારે ટેમ્પાનો ડ્રાઇવર અને ત્રણ જણા દોડી આવ્યા હતા અને સ્કૂટરની ચાવી કાઢી લીધી હતી. હુમલાખોરોએ અમને ગાળો ગાંડી હતી અને મને તેમજ મારી પત્નીને લાકડીઓથી ફટકારવા માંડ્યા હતા. તેમણે સ્કૂટરને પણ લાકડીઓ મારી નુકસાન કર્યું હતું.
અમે બચવા માટે ભાગ્યા તો અમારી પાછળ દોડીને દંડાઓના ફટકા માર્યા હતા. અમે મારામારીમાંથી બચવા માટે કરતા લોકો ભેગા થઈ ગયા હતા અને હુમલાખોરોમાંથી પ્રકાશ વિજયભાઈ રાજપુત (રહે-વિમાના દવાખાના પાછળ, વારસિયા)ને ઝડપી પાડ્યો હતો. જ્યારે બીજા ત્રણ હુમલાખોર ભાગી ગયા હતા. પોલીસે હુમલાખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.