– મહાપાલિકાના દબાણ હટાવ સેલે કાચા-પાકા દબાણો પર ત્રિકમથી લઈ બુલડોઝર ફેરવ્યું
– વેન્ડર ઝોનની વૈકલ્પિક વ્યવસ્થા વગર ફૂટપાથ પર લારી-ગલ્લાં રાખી પેટિયું રળતાં વેપારીઓને હટાવાતા શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી બની પણ બેરોજગારી વધી
ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાએ શહેરને જાણે કે દબાણમુક્ત બનાવવાનું બીડું ઝડપ્યું હોય તેમ છેલ્લાં ચાર વર્ષ દરમિયાન કાચા-પાકા મળી ૪૦,૮૫૭ દબાણો હટાવી અંદાજે રૂા.૧૩૮ કરોડની જમીન દબાણમુક્ત કરી છે. જો કે, મહાપાલિકાના દબાણ હટાવ સેલની કામગીરીના કારણે શહેરમાં એક તરફ આડેધડ ખડકાયેલાં લારી-ગલ્લાંના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યામાંથી શહેરીજનોને રાહત મળી છે પરંતુ, બીજી તરફ, ફૂટપાથ પર લારી-ગલ્લાં રાખી પેટિંયું રળતાં વેપારીઓની રોજગારી છીનવાતાં શહેરમાં બેરોજગારીનો દર વધ્યો છે.
ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલે હાલ શહેરમાં મોટાપાયે દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરી છે જે અંતર્ગત સેલ દ્વારા દૈનિક શહેરના વિવિધ વિસ્તારોમાંથી અસ્થાયી અને સ્થાયી દબાણો હટાવવામાં આવી રહ્યા છે. તેમાંય ખાસ કરીને ફૂટપાથ પર લારી-ગલ્લાં રાખી વેપારી કરતાં વેપારીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે જેના કારણે મહાપાલિકાના દબાણ હટાવ સેવ દ્વારા શહેરના મુખ્ય માર્ગોના ફૂટપાથ પર ખાણી-પીણી સહિતના લારી-ગલ્લાં રાખી વેપાર કરતાં વેપારીઓના લારી-ગલ્લાં જપ્ત કરવામાં આવી રહ્યા છે. શહેરમાં છેલ્લાં ચાર વર્ષની વાત કરવામાં આવે તો મહાપાલિકાએ ચાર વર્ષ દરમિયાન એટલે કે નાણાંકીય વર્ષ ૨૦૨૦૧-૨૨થી લઈ ૨૦૨૪-૨૫ દરમિયાન શહેરમાંથી રહેણાંક દબાણની વ્યાખ્યામાં આવતાં ૭ પાકા બાંધકામ ઉપરાંત, ૯૭૮ ઝૂંપડા, ૧૨૫ વાડ-ફેન્સિંગ તથા ૧૮ ઓટલાં મળી ૧૧૩૧ ગેરકાયદે દબાણ હટાવ્યા હતા. તો, એ જ રીતે દબાણ હટાવ સેલ દ્વારા આ ચાર વર્ષ દરમિયાન ૨૩૫ કાચા બાંધકામ, ૩,૨૨૮ પાકા બાંધકામ, ૯૮૦ કેબિન, ૮૨ ગલ્લાં, ૬,૩૬૦ લારી, ૧,૨૮૦ શેડ, ૨,૬૪૩ ઓટલા, ૨,૬૬૮ પાથરણાં, ૧૪૩ બોર્ર્ડ-બેનર તથા ફલેક્સ, ૪,૯૧૦ ટીંગણી તથા ૧૭,૧૪૩ અન્ય માલસામાન મળી કુલ ૩૯,૭૨૬ દબાણો પર ત્રિકમથી લઈ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે, આ પણ અધુરૂં હોય તેમ નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન દબાણ હટાવે સેલે રૂા. ૮૯.૫૦ કરોડની જમીન પરથી દબાણો હટાવ્યા હતા.એ સાથે જ કુલ ચાર વર્ષ દરમિયાન મહાપાલિકાએ જંત્રી ભાવ મુજબ અંદાજે રૂા.૧૩૮ કરોડની જમીન દબાણમુક્ત કરી હોવાનો મહાપાલિકાએ વિગતો આપતાં દાવો કર્યો છે.આગામી દિવસોમાં પણ શહેરમાં દબાણ હટાવ ઝૂંબેશ શરૂ રહેશે તેવો દબાણ હટાવે સેલે દાવો કરતાં શહેરમાં બેરોજગારીનો દર ચિંતજનક હદે વધે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.
પશ્ચિમ વિસ્તારમાં બે મેગા ડિમેલિશન, એક લાખ ચો.મી. જગ્યા ખુલ્લી કરાઈ
ભાવનગર મહાનગરપાલિકાએ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બે મેગા પ્રોજેકટને સાકાર કરવા માટે બે મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. જેમાં પ્રથમ શહેરના ધોબી સોસાયટી તરીકે ઓળખાતી વસાહતમાંથી જાહેર રસ્તો કાઢવા માટે મહાપાલિકાએ મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. અને અંદાજે રૂા.૧૩.૫૦ કરોડની જંત્રી કિંમત ધરાવતી ૬ હજાર ચો.મી. જમીન ખુલ્લી કરી હતી. એ જ રીતે શહેરના કું.વાડાથી આરટીઓ સામેના વિસ્તાર સુધીમાં ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેકટ અંતર્ગત ૭૬ કરોડની જંત્રી ભાવ મુજબની ૯૬ હજાર ચો.મી.થી વધુની જમીન ખુલ્લી કરવામાં આવી છે. તે નોંધનિય છે.