મોદીના હસ્તે પંબન બ્રિજ સહિત રૂ. 8300 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન
દસ વર્ષમાં ભારતે ઇકોનોમીનું કદ બેગણુ કર્યું, મહત્ત્વના ક્ષેત્રોનું બજેટ છ ગણુ વધાર્યું : વડાપ્રધાન મોદી
ચેન્નાઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામનવમીના અવસર પર તામિલનાડુમાં ૮૩૦૦ કરોડ રૂપિયાના રેલવે અને રોડ પ્રોજેક્ટ્સ ખુલ્લા મુક્યા હતા. જેમાં પંબન બ્રિજ, નવી ટ્રેન સેવા અને રામેશ્વરમથી ચેન્નઇ સુધી સારી કનેક્ટિવીટીનો સમાવેશ થાય છે. પંબન બ્રિજ એશિયાનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે સમુદ્રી પુલ છે. દેશમાં ચાલી રહેલા ભાષા વિવાદો વચ્ચે તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન પર મોદીએ ટોણો માર્યો હતો. અને કહ્યું હતું કે તમિલનાડુના નેતાઓ તમિલમાં સહી નથી કરતા.
વડાપ્રધાન મોદીએ રામનાથ સ્વામી મંદિરમાં દર્શન કર્યા હતા અને રામનવમીની લોકોને શૂભકામનાઓ આપી હતી. દરમિયાન ભાષા વિવાદ વચ્ચે મોદીએ ભાષાનો મુદ્દો જ છેડયો હતો. તેમણે કહ્યું હતું કે તામિલનાડુના અનેક નેતાઓના મને પત્ર મળતા હોય છે, પરંતુ હજુ પણ તેમાં આ નેતાઓ તમિલ ભાષામાં સહી નથી કરતા. જો તમિલ ભાષા પર આટલુ જ ગૌરવ છે તો પછી તમિલમાં સહી કરવી જોઇએ. તમિલ ભાષા અને તમિલ વારસાને વિશ્વમાં પહોંચાડવા માટે સરકાર આ દિશામાં કામ કરી રહી છે.
દરમિયાન મોદીએ કહ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષમાં ભારતે પોતાની ઇકોનોમીનુ કદ બેગણુ કર્યું છે. આટલી ઝડપથી વિકાસનું એક કારણ આપણુ શાનદાર મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે. દસ વર્ષમાં અમે રેલવે, રોડ, એરપોર્ટ, પાણી, પોર્ટ, વીજળી, ગેસ પાઇપલાઇન જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બજેટમાં છ ગણો વધારો કર્યો છે. આજે ભારતમાં અનેક મેગા પ્રોજેક્ટનું નિર્માણ ચાલી રહ્યું છે, જમ્મુ કાશ્મીરમાં વિશ્વના સૌથી ઉંચા રેલવે પુલોમાં એક ચિનાબ બ્રિજનું નિર્માણ પુરુ થઇ ચુક્યું છે. મુંબઇમાં અટલ સેતુ બનીને તૈયાર થઇ ગયો છે. જે ભારતનો સૌથી લાંબો સમુદ્રી પુલ છે.
વડાપ્રધાને કહ્યું હતું કે આસામનો બોગીબીજ બ્રિજ બ્રહ્મપુત્ર નદી પર બનાવાયો છે, જે દેશનો સૌથી મોટો રેલ-રોડ બ્રિજ છે, આ બધુ જ ભારતના વિકાસ-રફ્તાર અને એન્જિનિયરોની ક્ષમતાનું પ્રમાણ છે. દરમિયાન રામેશ્વર ટાપુને દેશ સાથે જોડતી ટ્રેન સેવાના લોકાર્પણ કાર્યક્રમમાં તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને હાજર રહેવાનું ટાળ્યું હતું. મોદીએ કોસ્ટ ગાર્ડ શિપને ખુલ્લી મુકી હતી જે આ બ્રિજની નીચેથી પસાર થઇ હતી. મોદીએ કહ્યું હતું કે છેલ્લા એક દસકામાં ૩૭૦૦ માછીમારોને શ્રીલંકાથી છોડાવીને ભારત લવાયા છે, ગયા વર્ષે જ ૬૦૦ માછીમારો ભારત પરત ફર્યા હતા. દરમિયાન મોદી રવિવારે શ્રીલંકા પણ ગયા હતા જ્યાં તેમણે ભારતની મદદથી તૈયાર બે રેલવે પ્રોજેક્ટને ખુલ્લા મુક્યા હતા, સાથે જ બૌદ્ધીષ્ઠ ધાર્મિક સ્થળની પણ મુલાકાત લીધી હતી. મોદીની સાથે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા પણ જોડાયા હતા. બન્ને નેતાઓએ જયા શ્રી મહા બોધી મંદિરની મુલાકાત લીધી હતી.