વડોદરા,શેર માર્કેેટમાં ટ્રેડિંગ કરવાનું જણાવી એન્જલ વન કંપનીના નામના ખોટા દસ્તાવેજો બનાવી તેને સાચા તરીકે દર્શાવી વોટ્સએપ પર મોકલી રોકાણકારને ફસાવી ઠગ ટોળકીએ ૯૪.૧૮ પડાવી લીધા હતા. આ ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે.
મૂળ આંધ્રપ્રેદશના અને હાલમાં સનફાર્મા રોડ પર વેદાંતા ડૂપ્લેક્સમાં રહેતા રામાક્રિષ્ણા રોશાયહ બેડુદુરી અગાઉ એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરતા હતા. પર્સનલ કારણોસર તેમણે નોકરી છોડી દીધી હતી. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ફેસબૂક પર એક જાહેરાત આવી હતી કે, શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રૃપિયા કમાઓ. જેથી, મેં તેના પર ક્લિક કરતા મારૃં વોટ્સએપ એક ગૃપમાં એડ થયો હતો. આ ગૃપમાં ૧૫૦ થી વધારે મેમ્બર્સ જોડાયા હતા. ગૃપમાં આવતા મેસેજના આધારે મેં રાધે ટ્રેડર્સ, રાધે ફાઇનાન્સિયલ સર્વિસીસ, ગઢવાલ એન્ટરપ્રાઇઝ, ગણપત એન્ટપ્રાઇઝ, મેટલ એન્ડ સ્ક્રેપ એન્ટરપ્રાઇઝીસ, તાજ ટ્રેડિંગ, એસ એસ ટેકનોલોજીસ એન્ડ કન્સલ્ટિંગ સર્વિસિસ, ધ પાર્ક પ્રોપર્ટીઝ લિ.ના અલગ – અલગ એકાઉન્ટમાં રૃપિયા ટ્રાન્સફર કર્યા હતા.મેં કુલ ૯૪.૧૮ લાખ જમા કરાવ્યા હતા. જેની સામે ૧૧.૨૬ કરોડનું બેલેન્સ પ્રોફિટ સહિત બતાવતું હતું.પરંતુ, પૈસા વિડ્રો થતા નહતા. આ ગુનાની તપાસ દરમિયાન આરોપી મોનીશ ખલીલભાઇ પીરજાદા (રહે. સાફીયા બિલ્ડિંગ, નવાબવાડા)નું નામ ખૂલ્યું હતું. પરંતુ, તે નાસતો ફરતો હતો. દરમિયાન પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, આરોપી હાલમાં તેના ઘરે વેશ પલટો કરીને બુરખો પહેરીને આવવાનો છે. જેથી, પી.આઇ. સી.બી. ટંડેલની સૂચના મુજબ સ્ટાફે વોચ ગોઠવીને બુરખો પહેરીને આવેલા આરોપી મોનીશને ઝડપી પાડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને હવાલે કર્યો છે.