વડોદરા, તા.26 શ્રીજી મૂર્તિઓના વિસર્જન માટે ગોત્રી રોડ પર કૃત્રિમ તળાવ જેવો કુંડ બનાવાયો છે. આ તળાવ ૩૦ ફૂટ લાંબુ છે, અને તેની પહોળાઇ ૨૦ ફૂટની છે. જ્યારે ૬ ફૂટની ઊંડાઇ ધરાવે છે.
આ કુંડમાં ગૌમુખ ગંગોત્રીના પવિત્ર મિશ્રિત જળમાં ૧ લાખ લીટર પાણી ભરવામાં આવ્યું છે. ત્રિવેણી ગરબા ગ્રાઉન્ડ, ગોત્રી મેડિકલ હોસ્પિટલ પાસે, હરિનગર બ્રિજ નજીક, ગોત્રી રોડ ખાતે છેલ્લા પાંચ વર્ષથી આ રીતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવે છે. બીજા દિવસથી જ તળાવમાં વિસર્જન પ્રક્રિયા શરૃ કરી દેવામાં આવે છે. આ કૃત્રિમ તળાવ તૈયાર કરનાર વોર્ડ નં.૧૦ના ભાજપના કોર્પોરેટર કહે છે કે તા.૬ સુધી આ તળાવમાં વિસર્જન વિધિ થઇ શકશે. તેમણે શ્રધ્ધાળુઓને બે ફૂટથી મોટી મૂર્તિ નહીં લાવવા કહ્યું છે. વર્ષ ૨૦૨૫માં ૧૦ હજાર મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું. વર્ષ ૨૦૨૨માં ૪૫૦૦ અને ૨૦૨૩માં ૭૦૦૦ અને વર્ષ ૨૦૨૪માં ૭૫૦૦ મૂર્તિઓ વિસર્જિત કરાઇ હતી. મૂર્તિ વિસર્જન સાથે સાથે શ્રીફળ, ફૂલહાર, ફૂલ, આસોપાલવના પાન વગેરે આવે છે, તેમાંથી શ્રીફળ વગેરે ધાર્મિક સંસ્થાઓને આપી દેવાય છે, જ્યારે ફૂલહાર, ફૂલ વગેરે કૃત્રિમ ખાતર બનાવવા માટે મોકલી દેવાય છે. આશરે પાંચ સાત ટ્રક ટ્રેકટર ભરાય તેટલા ફૂલનો જથ્થો ભેગો થાય છે.