સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પવિત્ર યાત્રાધામ ચાંદોદ ખાતે પ્રતિદિન હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યા હોય પ્રતાપનગર – એકતાનગર વચ્ચે ટ્રેનોના ફેરા વધારવા ડીઆરએમને રજૂઆત કરાઈ હતી.
ડીઆરયુસીસી સભ્ય વડોદરા ડિવિઝન એમ.હબીબ લોખંડવાલા દ્વારા ડીઆરએમ રાજુ ભડકેને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે, અમારા ડિવિઝનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર આવે છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા છે. જેને નિહાળવા દેશ-વિદેશથી પ્રતિદિન હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. આ જ રૂટ ઉપર પ્રસિધ્ધ ચાંદોદ ધાર્મિક યાત્રાધામ પણ છે. હાલમાં પ્રતાપનગરથી એકતા નગર જવા માટે સવારે 6:40 વાગે એક મેમુ ટ્રેન ચાલે છે. ત્યારબાદ બપોરે 12:15 વાગે બીજી મેમુ ટ્રેન ચાલે છે. આ બે ટ્રેન વચ્ચે 5:30 કલાકનું અંતર છે. આ સાડા પાંચ કલાકની વચ્ચે ટ્રેન ન હોવાથી પ્રવાસી ન છૂટકે સડક માર્ગે પ્રવાસ કરે છે. જે પ્રવાસીઓને ઘણું જ મોંઘું પડે છે. જે પ્રવાસીઓ માટે અનુકૂળ નથી. જેથી બન્ને ટ્રેન વચ્ચેના સમયગાળામાં વધુ એક મેમુ ટ્રેન દોડાવવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પવિત્ર ચાંદોદ યાત્રાધામના મુસાફરોને ઘણી જ રાહત થશે અને મુસાફરોને પડતી મુશ્કેલી દૂર થશે.