CM N. Biren Singh’s viral audio clip : સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે મણિપુરના વાઈરલ ઓડિયોને લઈને ફોરેન્સિક સાયન્સ લેબોરિટીનો રિપોર્ટ તૈયાર હોવાનું અને વહેલીતકે રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. ઓડિયો ક્લિપમાં પૂર્વ મુખ્યમંત્રી એન. બીરેન સિહનો અવાજ છે અને તેઓ લોકોને હિંસાને લઈને ભડકાવી રહ્યા હોવાનું સાંભળવા મળે છે. જ્યારે કેન્દ્ર સરકારે કહ્યુ હતું કે, ‘રિપોર્ટ તૈયાર છે અને તેને જલ્દી સીલબંધ પરબિડીયામાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે.’
5 મેના રોજ થશે સુનાવણી
સીજેઆઈ સંજીવ ખન્નાની અધ્યક્ષતા વાળી બેન્ચે કેન્દ્ર સરકાર અને રાજ્યના સરકારની તરફથી હાજર થયેલા વકીલની દલીલ સ્વીકારીને સુનાવણી 5 મે સુધી મુલતવી રાખવામાં આવી છે. સુપ્રીમ કોર્ટમાં કુકી માનવાધિકાર સંગઠન (KOHUR) દ્વારા કરવામાં આવેલી અરજીમાં આરોપ લગાવ્યો હતો કે, ‘વાઈરલ ઓડિયો ક્લિપમાં પૂર્વ મુખ્યમંત્રી એન. બીરેન સિંહનો અવાજ છે.’ પાર્ટીમાં વધતો બળવો અને નારાજગીને જોઈને એન. બીરેન સિંહે ગત ફેબ્રુઆરીમાં મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી દીધું હતું.
અગાઉ, સુપ્રીમ કોર્ટે મે 2023 માં શરૂ થયેલી જાતીય હિંસામાં બીરેન સિંહની સંડોવણીનો આરોપ લગાવતી લીક થયેલી ઓડિયો ક્લિપની સત્યતા પર CFSLથી સીલબંધ કવરમાં રિપોર્ટ માંગ્યો હતો. KOHUR વતી હાજર રહેલા એડવોકેટ પ્રશાંત ભૂષણે બીરેન સિંહની કથિત ભૂમિકાની કોર્ટ-નિરીક્ષણ હેઠળ SIT તપાસની માંગ કરી હતી.
’93 ટકા સુધી આ બીરેન સિંહનો અવાજ’
એડવોકેટ ભૂષણે કહ્યું હતું કે, ‘એક લેબે પુષ્ટિ કરી હતી કે 93 ટકા સુધી આ બીરેન સિંહનો અવાજ છે અને FSL રિપોર્ટ કરતાં ઘણા વધુ વિશ્વસનીય છે. હકીકતમાં ગયા વર્ષે 8 નવેમ્બરના રોજ ભૂતપૂર્વ CJI ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે KOHURને લીક થયેલી ઓડિયો ક્લિપ્સની સત્યતા દર્શાવવા માટે સામગ્રી રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.’
ભૂષણે કહ્યું હતું કે, ‘એ સીડીની એક કોપી ફોર્મેટમાં પણ ફાઇલ કરશે. રેકોર્ડ કરેલી વાતચીત પ્રથમ દ્રષ્ટિએ કુકી સમુદાય સામેની હિંસામાં રાજ્ય મશીનરીની મિલીભગત અને સંડોવણી થઈ હોવાનું સામે આવે છે. ક્લિપમાં હેરાન કરનારી વાત એ છે કે, બીરેન સિંહને હિંસા ભડકાવતા અને હુમલાખોરોનો બચાવ કરતા સાંભળી શકાય છે.’
આ પણ વાંચો: શાળાઓમાં ત્રીજી ભાષા ફરજીયાત કરાતા રાજ ઠાકરે ભડક્યા, કહ્યું, ‘હિન્દી રાષ્ટ્રભાષા નહીં, રાજ્ય ભાષા’
મણિપુરમાં છેલ્લા 2 વર્ષથી હિંસા
મણિપુર છેલ્લા બે વર્ષથી જાતીય સંઘર્ષનો સામનો કરી રહ્યું છે. મે 2023 માં શરૂ થયેલા સંઘર્ષમાં 250 થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. આ તણાવ મુખ્યત્ત્વે ઇમ્ફાલ ખીણમાં રહેતા મૈતઈ સમુદાય અને આસપાસના ટેકરીઓમાં રહેતા કુકી સમુદાયો વચ્ચે છે. ગયા વર્ષે બહુમતી મૈતઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગણી સાથે એકતા કૂચ પછી ફાટી નીકળેલી જાતીય હિંસા આજે પણ ચાલુ છે.