‘વક્રતુંડ મહાકાય, સૂર્ય કોટિ સમપ્રભ.. નિવઘ્નમ કુરૂ મે દેવ, સર્વકાર્યેષુ સર્વદા..’ ઠેર-ઠેર દુંદાળા દેવનું દબદબાભેર સ્થાપન, હવે 10 દિવસ સુધી પૂજન, અર્ચન, મહાઆરતી સહિત ભક્તિસભર કાર્યક્રમોમાં ઉમંગભેર ભાવિકો ઉમટશે
રાજકોટ, : સૌરાષ્ટ્રમાં ‘ગણપતિ બાપા મોરિયા..’ના નાદ સાથે ભવ્ય ગણેશોત્સવનો શુભારંભ થયો છે. આજે ગણેશ ચતુર્થીના પાવન દિવસે ગામે-ગામ મુખ્ય માર્ગો-ચોક અને શેરી-મહોલ્લામાં ઠેર-ઠેર ગણેશ પ્રતિમાના પુજન-અર્ચન સાથે સ્થાપન કરવામાં આવ્યા હતા. હવે 10 દિવસ સુધી પૂજન, અર્ચન, મહાઆરતી સહિત ભક્તિસભર કાર્યક્રમોમાં ઉમંગભેર ભાવિકો ઉમટશે. શહેરો-ગામોમાં ચોકે ચોકે ગણપતિ સ્થાપનાના વિશાળ પંડાલો નજરે ચડી રહ્યા છે. અદભૂત સાજ-સજાવટ સાથેના પંડાલોમાં આજે વાજતે-ગાજતે દુંદાળાદેવનું સ્થાપન કરાયું હતું. લોકો આજથી ગણેશ ભક્તિમાં લીન બન્યા છે.
મોરબીમાં વિવિધ સ્થળે પંડાલમાં ગણપતિ સ્થાપન સાથે દસ દિવસીય ગણેશ મહોત્સવનો હર્ષોલ્લાસથી શુભારંભ કરવામાં આવ્યો છે. શહેરમાં સિદ્ધિ વિનાયક કા રાજા, પટેલ ગૃપ આયોજિત ગણેશ મહોત્સવ સહિતના વિશાળ આયોજન ઉપરાંત શેરીએ ગલીએ ગણપતિ મહોત્સવ ઉજવાઈ રહ્યા છે. મહાનગર પાલિકા ખાતે પણ ગણેશ સ્થાપન કરવામાં આવ્યું છે. જે સમયે મ્યુનિ. કમિશનર સ્વપ્નીલ ખરે સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ કામકાજનો ભાર ભૂલી ગરબાના તાલે ઝૂમ્યા હતા. * અમરેલી જિલ્લામાં આજે ઠેર-ઠેર ધામક માહોલમાં ગણેશ ઉત્સવનો ઉમંગભેર પ્રારંભ થયો હતો. મુખ્ય મથક અમરેલી સહિત લાઠી, દામનગર, લીલીયા, સાવરકુંડલા, બગસરા, ધારી, ચલાલા, ખાંભા, રાજુલા, બાબરા, જાફરાબાદ અને પીપાવાવ પોર્ટ સુધીના તમામ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ડીજેના તાલે વાજતે-ગાજતે ગણપતિ બાપાની પ્રતિમાઓની શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અબીલ-ગુલાલ ઉડાડી નાચતા-ગાતા જોડાયા હતા અને સુશોભિત પંડાલોમાં ગણેશ સ્થાપન કરાયું હતું. અમરેલીની બ્રાહ્મણ સોસાયટીમાં રામનગર શેરી નં.૬માં કેસરિયા હનુમાન મંદિર ખાતે ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું. * જામનગરમાં આજથી 10 દિવસીય ગણેશોત્સવનો આરંભ થયો છે અને સાર્વજનિક ગણેશ મંડળોનાં પંડાલોમાં ધામધૂમથી શુભમુર્હૂતમાં ભાગવાન ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. આ સાથે દરરોજ મહાઆરતી, પ્રસાદ સહિતનાં આયોજનો કરવામાં આવ્યા છે જામનગરના ફલ્લા ગામે આજે પ્રજાપતિ શેરીમાં વાજતે-ગાજતે સિધ્ધિ વિનાયક ગણેશ સ્થાપન કરવામાં આવ્યું હતું. હવે દરરોજ રાત્રે સત્સંગ અને રાસ-ગરબા યોજાશે. * જામકંડોરણામાં નગરનાકા, તળાવ પ્લોટ, મેઈન બજાર,ઈન્દિરા નગર સહિતના વિવિધ વિસ્તારોમાં ગણેશજીની ભાવભેર સ્થાપના કરવામાં આવી હતી. હવે ગણેશ મહોત્સવ દરમ્યાન ધામક કાર્યક્રમો તેમજ સવાર-સાંજ આરતીનો ભાવિકો લાભ લેશે અને આ મહોત્સવ દરમ્યાન ગણપતિની આરાધના કરશે. * હળવદ તાલુકાના ચરાડવા ગામે પ્રજાપતિ શેરી યુવક મંડળ દ્વારા ગણેશ સ્થાપના કરી ગણપતિ બાપા મોરિયાના જયનાદ સાથે વાતાવરણ ભક્તિમય બનાવી ગણપતિ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.