વડોદરાઃ કેનેડામાં ડ્રાઇવિંગ લાઇસન્સ રદ થઇ જતાં નોકરી છૂટી જવાથી ભારત પરત ફરેલો યુવક ચોરીઓ કરતાં પકડાઇ જતાં રિમાન્ડ દરમિયાન વધુ એક ચોરીનો ભેદ ખૂલ્યો છે.
સારાભાઇ કેમ્પસમાં ડ્રાયફ્રુટ્સ ની દુકાનનું શટર તોડી રૃ.૧.૯૦ લાખની રોકડ ચોરી કરવાના બનાવમાં ગોરવા પોલીસે એમએસસી થયેલા ક્રિયેશ પ્રવિણભાઇ પટેલ (રહે. ખારવા કુવા ફળિયું, જલુંધ ગામ,તા. ખંભાત,જિ. આણંદ)ને ઝડપી પાડયો હતો.આ જ કેમ્પસમાં એક રેસ્ટોરાંમાંથી પણ રોકડા રૃ.૨૩ હજારની ચોરી થઇ હતી.
પીઆઇ કિરીટ લાઠિયાએ આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર લઇ પૂછપરછ કરતાં ઉપરોક્ત બંને ચોરી ઉપરાંત ઇનઓરબિટ મોલ પાસેથી એક બાઇકની ચોરી કર્યાની વિગતો ખૂલી હતી.આ ઉપરાંત તેણે ગઇ તા.૨૧મી ઓગષ્ટે ભરૃચના ઓરિયેન આર્કેડ ખાતે પણ એક મેડિકલ સ્ટોરમાંથી રોકડા રૃ.૪૭ હજાર અને કોમ્પ્યુટરની હાર્ડડિસ્કની ચોરી કર્યાની વિગતો કબૂલી છે.
ક્રિયેશ પટેલના આવતીકાલે રિમાન્ડ પુરા થતા હોવાથી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે.