Jammu Kashmir Vaishno Devi Landslide: જમ્મુ-કાશ્મીરના કટરામાં અર્ધકુમારી પાસે આવેલા માતા વૈષ્ણોદેવીના યાત્રા માર્ગ પર ભારે વરસાદને કારણે ભયંકર ભૂસ્ખલન થયું, જેમાં લગભગ 36 લોકોએ જીવ ગુમાવ્યો અને અનેક લોકો ઘાયલ થયા. હાલમાં પણ રેસ્ક્યુ ટીમોનું સર્ચ ઓપરેશન ચાલુ છે, કારણ કે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.
3,500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે. જમ્મુથી ડોડા સુધી અનેક પુલ, વીજળીના થાંભલા અને મોબાઈલ ટાવર્સને નુકસાન પહોંચ્યું છે. અત્યાર સુધીમાં 3,500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
ગુરુવારે તમામ સ્કૂલ-કોલેજ બંધ
ખરાબ હવામાનને કારણે જમ્મુ-કાશ્મીરની સ્કૂલ-કોલેજો ગુરુવારે બંધ રાખવામાં આવી છે. ભારતીય વાયુસેનાએ બચાવ કાર્ય માટે 6 હેલિકોપ્ટર તૈનાત કર્યા છે અને ગુરદાસપુરના ડેરા બાબા નાનકથી 38 સેનાના જવાનો અને 10 બીએસએફના જવાનોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન પણ ચલાવવામાં આવ્યું.
નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કઢાયા
ભારતીય વાયુસેનાનું C-130 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ રાહત સામગ્રી અને એનડીઆરએફની ટીમને લઈને જમ્મુ પહોંચ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે વધુ વિમાનો પણ બચાવ કાર્ય માટે તૈયાર છે. ભારે વરસાદને કારણે હજારો લોકોને પૂરગ્રસ્ત નીચાણવાળા વિસ્તારોમાંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. ઉત્તર પંજાબના કેટલાક વિસ્તારોમાં પણ પૂરની સ્થિતિ છે.
હેલિકોપ્ટરથી બચાવ કાર્ય ચાલુ
સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે ભારતીય વાયુસેના પૂરગ્રસ્ત ઉત્તર પંજાબ અને જમ્મુમાં રાહત અને બચાવ મિશન ચલાવી રહી છે. આ કામગીરીમાં પાંચ Mi-17 અને એક ચિનૂક હેલિકોપ્ટર તૈનાત કરાયા છે.
અધિકારીઓએ જણાવ્યું કે જમ્મુના અખનૂરમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 12 સેનાના અને 11 બીએસએફના જવાનોને સુરક્ષિત બહાર કઢાયા છે. ભારતીય વાયુસેના હવાઈ માર્ગે ફસાયેલા વિસ્તારોમાં પીવાનું પાણી અને ભોજનના પેકેટ પહોંચાડી રહી છે.
સેનાના જવાનોનું રેસ્ક્યુ ઓપરેશન
પંજાબના પઠાણકોટમાં ભારતીય વાયુસેનાએ હેલિકોપ્ટર દ્વારા 46 નાગરિકોને અને ડેરા બાબા નાનકથી 48 જવાનો (38 સેના અને 10 બીએસએફ)ને સુરક્ષિત બહાર કાઢ્યા. 750 કિલોથી વધુ રાહત સામગ્રી પણ હવાઈ માર્ગે પહોંચાડવામાં આવી છે.
વરસાદે જૂના રેકોર્ડ તોડ્યા: જમ્મુમાં છેલ્લા 24 કલાકમાં 296.0 મિમી વરસાદ પડ્યો, જેણે 1973નો રેકોર્ડ તોડ્યો, જ્યારે ઉધમપુરમાં 629.4 મિમી વરસાદ સાથે 2019નો રેકોર્ડ લગભગ બમણો થયો.
આ પણ વાંચો: દીકરીના જન્મદિવસની ઉજવણી વચ્ચે કેક કાપ્યાની 5 મિનિટ બાદ ઇમારત ધરાશાયી, વિરારમાં 15ના મોત
કેટલાક વિસ્તારોમાં હવામાન ખરાબ થઈ શકે છે
જમ્મુ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ, કરા સાથે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં જમ્મુ શહેર, આરએસ પુરા, સાંબા, અખનૂર, નગરોટા, કોટ ભલવાલ, બિશ્નાહ, વિજયપુર, પુર્મંડલ અને કઠુઆ તથા ઉધમપુરના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. જ્યારે, રિયાસી, રામબન, ડોડા, બિલાવર, કટરા, રામનગર, હીરાનગર, ગુલ, બનિહાલ અને સાંબા તથા કઠુઆ જિલ્લાના આસપાસના ભાગોમાં હળવો વરસાદ નોંધાયો છે.