Good News For Farmer: ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવે પાક વેચાણની નોંધણી 1 સપ્ટેમ્બરથી શરૂ થશે, મગફળી, મગ, અડદ અને સોયાબીનના પાકો માટે રાજ્યભરમાં ઓનલાઈન નોંધણી થશે જે માટે રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને સમયસર નોંધણી કરવા અનુરોધ કર્યો છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે કે, પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન અંતર્ગત રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનના પાકોની ટેકાના ભાવે ખરીદી માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ ખેડૂતો 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધી ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઈ-ગ્રામ કેન્દ્રો મારફતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે.
મંત્રીએ જણાવ્યું કે, ગત વર્ષે રાજ્યમાં 8.53 લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. 16,223 કરોડના 23.47 લાખ મેટ્રિક ટન જથ્થાની ઐતિહાસિક ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પણ ખરીફ પાકોની પૂરતી ખરીદી માટે સરકાર પ્રતિબદ્ધ છે અને મહત્તમ ખેડૂતોને લાભ મળે તે માટે સમયસર નોંધણી જરૂરી છે.
ભારત સરકાર દ્વારા મગફળી માટે રૂ. 7,263, મગ માટે રૂ. 8,768, અડદ માટે રૂ. 7,800 અને સોયાબીન માટે રૂ. 5,328 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ખેડૂતો આ લઘુત્તમ ટેકાના ભાવને ધ્યાને રાખીને પાકનું વાવેતર અને વેચાણ આયોજન કરી શકે છે. ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના 8.53 લાખથી વધુ લાભાર્થી ખેડૂતો પાસેથી રૂ. 16,223 કરોડથી વધુના મૂલ્યના કુલ 23.47 લાખ મેટ્રિક ટન જથ્થાની ટેકાના ભાવે ઐતિહાસિક ખરીદી કરવામાં આવી હતી.