Maha Kumbh Stampede : પ્રયાગરાજ સ્થિત મહાકુંભમાં નાસભાગમાં કુલ કેટલા લોકોના મોત થયા, તે અંગે કેન્દ્ર સરકાર પાસે કોઈપણ આંકડો ઉપલબ્ધ નથી. કેન્દ્ર સરકાર તરફથી આજે (18 માર્ચ) લોકસભામાં જણાવાયું છે કે, નાસભાગની ઘટનાની તપાસ ઉત્તર પ્રદેશ સરકારે કરી હતી. ઘટનામાં મૃત્યુ પામેલાઓનો આંકડો કેન્દ્ર સરકાર પાસે હોતો નથી.
કોંગ્રેસે કેન્દ્ર પાસે મૃત્યુઆંક-તપાસનો જવાબ માગ્યો
કોંગ્રેસ સાંસદ કે.સી.વેણુગોપાલ અને કે.નામદેવે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો કે, મહાકુંભમાં મૌની અમાવસ્યાની રાત્રે થયેલી નાસભાગમાં મૃત્યુ પામેલાઓ અને ઈજાગ્રસ્તોની સંખ્યા બાબતે તેમજ ઘટનાના કારણો તપાસ કરવા માટે અધિકારીઓએ શું પગલા ભર્યા હતા.
કાયદો વ્યવસ્થા અને પોલીસ રાજ્યનો વિષય છે : કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકાર તરફથી જવાબ આપનાર નિત્યાનંદ રાયે કહ્યું કે, ‘બંધારણની સાતમી સૂચિ મુજબ કાયદો વ્યવસ્થા અને પોલીસ રાજ્યનો વિષય છે. ધાર્મિક કાર્યક્રમોનું આયોજન, ભીડ વ્યવસ્થાપન, શ્રદ્ધાળુઓ માટે સુવિધાની વ્યવસ્થા, કાર્યક્રમો દરમિયાન કોઈપણ પ્રકારની ઘટનાને અટકાવા વગેરે લોક વ્યવસ્થા સાથે જોડાયેલા તમામ કામો રાજ્યનો વિષય છે.’
આ પણ વાંચો : ગાઝામાં એરસ્ટ્રાઇકમાં 413 લોકોના મોત, અનેક લોકો કાટમાળ નીચે દબાયા, 59 બંધકો પર લટકતી તલવાર
‘રાજ્યમાં બનેલી આપત્તિ જે-તે રાજ્ય સરકારની જવાબદારી’
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રીએ લેખીત ઉત્તરમાં કહ્યું કે, ‘કોઈપણ રાજ્યમાં નાસભાગ સહિતની કોઈપણ પ્રકારની આપત્તિની તપાસ કરવાની કામગીરી, મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓ અને ઈજાગ્રસ્તોના પરિવારોને નાણાંકીય મદદ કરવાનો વહિવટી સંબંધીત કામગીરી રાજ્ય સરકાર હસ્તક આવે છે. રાજ્ય સરકારો આવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે. કેન્દ્ર સરકાર પાસે આવી ઘટનાઓ અંગે કોઈપણ ડેટા રાખવામાં આવતો નથી.’
નાસભાગમાં 30 શ્રદ્ધાળુના મોત થયા : UP પોલીસ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ‘નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા કાર્યક્રમો અને સામુહિક સમારોહના આયોજનમાં ભીડ વ્યવસ્થાપન માટે વિસ્તૃત દિશા-નિર્દેશ જારી કરવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ સંશોધન અને વિકાસ બ્યુરોએ પણ ભીડ વ્યવસ્થાપન માટે દિશા-નિર્દેશ જારી કર્યા હતા. તેમણે કહ્યું કે, આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને અડવાઈઝરી જારી કરી હતી. ઉત્તર પ્રદેશના નાયબ પોલીસ મહાનિરીક્ષકે નાસભાગની ઘટના અંગે કહ્યું હતું કે, ‘મહાકુંભમાં 29-30 જાન્યુઆરીએ થયેલી નાસભાગ દરમિયાન 30 શ્રદ્ધાળુઓના મોત થયા હતા, જ્યારે 60 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
આ પણ વાંચો : સ્વિત્ઝરલેન્ડ-અમેરિકામાં બે મોટી દુર્ઘટના, આલ્પ્સમાં વિમાન અને મિસિસિપીમાં હેલિકોપ્ટર ક્રેશ, 6 મોત