વડોદરા,સાવલીના એક ગામમાંથી આવેલી ગર્ભવતી મહિલાએ બાળકીને જન્મ આપ્યા બાદ પરિવારે તે બાળકી સ્વીકારવાની ના પાડતા મહિલા ફસાઇ હતી. પોલીસે મહિલાને બાળકી સાથે તેના ઘરે મોકલી આપી છે.
સયાજી હોસ્પિટલમાં થોડા દિવસ પૂર્વે સાવલી તાલુકાના એક ગામની મહિલાના પતિનું થોડા મહિના પહેલા મોત થયું હતું. ત્યારબાદ ગર્ભવતી થયેલી મહિલાને પ્રસૂતિ માટે માટે સયાજી હોસ્પિટલના રૃક્મણી ચૈનાની પ્રસૂતિ ગૃહમાં દાખલ કરવામાં આવી હતી. દરમિયાન મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. મહિલા પિયરમાં રહેતી હોઇ તેના પરિવારે આ બાળકીને રાખવાની ના પાડી હતી અને કહ્યું હતુ ંકે, તારે બાળકીનું જે કરવું હોય તે કર પણ જો તું ઘરે બાળકી લઈને આવી તો અમે તને પણ રાખીશું નહીં. જેને પગલે મહિલા મૂંઝવણમાં મૂકાઈ હતી. આ મહિલા અન્ય મહિલાઓને પૂછતી હતી કે, તમારે આ બાળકી જોઇએ છે ? તે વાત સિક્યુરિટી ગાર્ડના ધ્યાને આવતા તેઓએ ડયૂટિ પરના એમ.એલ.ઓ.ને જાણ કરતા પોલીસને જાણ કરાઇ હતી. રાવપુરા પોલીસે મહિલા જે ગામની છે ત્યાં સ્થાનિક પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો અને દ્વારા મહિલાને પરત તેના પિયરમાં બાળકી સાથે મોકલી આપી હતી.