ગંગાજળિયા પોલીસ મથકમાં 4 શખ્સો સામે ગુનો નોંધાયો
ચારેય શખ્સે ક.પરાના રહેણાંકી મકાનમાં તોડફોડ પણ કરી હતી
ભાવનગર: શહેરના કરચલિયાપરામાં હોર્ન વગાડવા મુદ્દે યુવક પર છરી વડે હુમલો તથા અન્ય એક મકાનમાં તોડફોડ કરનારા ચાર શખ્સો સામે ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં રહેતા કપીલભાઈ રાજુભાઈ રાઠોડે ગંગાજળિયા પોલીસ મથકમાં નમન ગોહેલ, શંકર બારૈયા, રવિ ઉર્ફે ઠુઠો (ત્રણેય રહે.કરચલિયાપરા) તથા રવિ ઉર્ફે ટોટો (રહે.રૂવાપરી) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓ કરચલિયાપરા વિસ્તારમાં રહેતા આશાબેન સાથે તેઓ મજુરી કામ માટે જતા હોય તેમના દિકરાને ગત રોજ રાત્રિના બાઈક પર શિવનગર મુકવા જતાં હતા ત્યારે ધનાનગર નજીક ઉક્ત ચારેય શખ્સો ઉભા હતા. જેથી તેમણે હોર્ન વગાડતા ઉક્ત લોકોએ અપશબ્દો કહી ઢીકા પાટુનો માર મારી નમન ગોહેલે છરી મારી ઈજા પહોંચાડી હતી. તેમજ આ લોકોએ આશાબેનના મોટાબેન ગવુબેનના ઘરે પણ તોડફોડ કરી રૂ.૩ હજારનું નુકસાન પહોંચાડયું હતું. બનાવ અંગે ગંગાજળિયા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.