– નડિયાદમાં સિટી બસ બંધ થઈ જવાનો મામલો
– આરટીઓ દસ્તાવેજી પ્રક્રિયા કર્યા વગર 20 દિવસ સુધી બસો નડિયાદમાં દોડી છતાં તંત્ર અજાણ રહ્યું
નડિયાદ : નડિયાદની તત્કાલિન નગરપાલિકાએ ઉતાવળે સીટી બસ સેવા શરૂ કરી દીધી હતી. તે સમયે તત્કાલિન ચીફ ઓફીસર અને હાલના ડે. કમિશ્નર દ્વારા જરૂરી દસ્તાવેજો ચકાસ્યા વિના જ બસને લીલી ઝંડી આપી દેવાઈ હતી. જે બાદ ૨૦ દિવસ સુધી આ સીટી બસો દોડી અને વિવાદ થતાં પાછી તેના પૈડા થંભી ગયા હતા.
નડિયાદની તત્કાલિન નગરપાલિકાએ ઉતાવળે સિટી બસ સેવા શરૂ કરી દીધી હતી. નડિયાદના નગરજનોનું સીટી બસમાં મુસાફરીનું સ્વપ્ન અધિકારીઓના લીધે પૂર્ણ થઈ શકતું નથી. તત્કાલિન ચીફ ઓફિસર અને હાલના ડે. કમિશનર રૂદ્રેશ હુદળ દ્વારા જે-તે સમયે ઉતાવળે સિટી બસનો કોન્ટ્રાક્ટ કરી નાખવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટ દરમિયાન નિયમોનુસાર ચીફ ઓફિસરે સીટી બસોના તમામ મહત્વના દસ્તાવેજોની ખરાઈ કરવાની હોય છે અને સીટી બસના કોન્ટ્રાક્ટમાં જ આ દસ્તાવેજો પણ ચકાસવાની ખાસ જોગવાઈ છે. ત્યારે ચીફ ઓફિસર દ્વારા કોઈ પણ જાતની તપાસ કર્યા વિના જ કોન્ટ્રાક્ટને મંજૂરી આપી દીધી હતી. બાદમાં સીટી બસ સેવા શરૂ થઈ હતી. ત્યારે આરટીઓને લગતી કોઈ પણ કાર્યવાહી આ સીટી બસના કોન્ટ્રાક્ટરે ન કરી હોવાનું સામે આવ્યું હતું. આ વિવાદ છેડાયો અને તે બાદ સિટી બસના પૈડા થંભી ગયા હતા. આ સમગ્ર બાબત માટે તત્કાલિન ચીફ ઓફિસરે કોના દબાણવશ દસ્તાવેજો પણ ચકાસ્યા વિના સિટી બસ શરૂ કરવાનો નિર્ણય લીધો? તે તપાસનો વિષય છે. તેમજ હવે આ કોન્ટ્રાક્ટ રદ કરાયો છે કે પછી પુનઃ સિટી બસો દોડાવાશે? તે અંગે નગરજનોમાં પણ પ્રશ્નો ઉઠયા છે.