મુંબઈ : મજબૂત ગ્રામ્ય માગના ટેકા સાથે ભારતનું અર્થતંત્ર સ્થિતિસ્થાપક રહ્યું છે પરંતુ ભારત-અમેરિકા વચ્ચે વેપાર નીતિમાં સતત અનિશ્ચિતતા ચાલુ રહેતા દેશમાં વિકાસ સામે ઘટાડા તરફી જોખમ તોળાઈ રહ્યું છે. જો કે ટૂંકા ગાળે ફુગાવાનું આઉટલુક અપેક્ષા કરતા વધુ નીચુ જોવા મળી રહ્યું છે, એમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના રિપોર્ટમાં જણાવાયું છે.
ચોમાસા તથા તાપમાનની સારી સ્થિતિ ખરીફ મોસમ માટે સાનુકૂળ છે. ગ્રામ્ય વેતનમાં વધારો વર્તમાન નાણાં વર્ષના પાછલા છ મહિનામાં માગને ટેકો આપશે એમ ઓગસ્ટ મહિનાના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
મજબૂત નાણાં સ્થિતિ, વ્યાજ દરમાં કપાતના લાભો, ટેકારૂપ રાજકોષિય પગલાં અને ઉપભોગતાના આશાવાદમાં વધારો એકંદર માગને વધારવા માટે સાનુકૂળ વાતાવરણ દર્શાવે છે.
ખાદ્ય પદાર્થૌૈના નીચા ભાવના ટેકા સાથે રિટેલ ફુગાવો વર્તમાન નાણાં વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ૪ ટકાના ટાર્ગેટ સ્તરથી પણ નીચે જવાની ધારણાં છે. જો કે અંતિમ ત્રિમાસિકમાં તેમાં સાધારણ વધારો જોવા મળશે.
એકંદરે વર્તમાન નાણાં વર્ષમાં ફુગાવો ટાર્ગેટ સ્તર કરતા નીચો રહેવાની શકયતા છે. રિઝર્વ બેન્કની નાણાં નીતિ પ્રાપ્ત ડેટા તથા ઘરઆંગણે વિકાસ-ફુગાવાના ઊભરી રહેલા ગણિતો પર સતત નજર જાળવી રાખશે જેથી નાણાં નીતિને યોગ્ય ઓપ આપી શકાય એમ રિપોર્ટમાં વધુમાં જણાવાયું હતું.
અર્થતંત્રમાં સ્થિરતાને ધ્યાનમાં રાખી રિઝર્વ બેન્કે ઓગસ્ટની બેઠકમાં રેપો રેટ ૫.૫૦ ટકા જાળવી રાખ્યો હતો. જુલાઈમાં દેશનો ફુગાવો ૧.૫૫ ટકા સાથે આઠ વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો. એસએન્ડપી દ્વારા દેશના ક્રેડિટ રેટિંગમાં કરાયેલો વધારો બોન્ડ માર્કેટ માટે જમા પાસુ છે અને નાણાં નીતિની વિશ્વસ્નિયતા વધારનારો છે. રેટિંગમાં અપગ્રેડિંગથી બોરોઈંગ ખર્ચમાં ઘટાડો જોવા મળશે એવી પણ ધારણાં મૂકવામાં આવી છે.
હાઈ ફ્રિકવન્સી ઈન્ડીકેટર્સનું ચિત્ર જુલાઈમાં મિશ્ર જોવા મળ્યું છે. જીએસટીની વસૂલીમાં જોરદાર વૃદ્ધિ થઈ છે અને જીએસટી ઈ-વે બિલની સંખ્યા પણ વિક્રમી જોવા મળી છે, પરંતુ વીજ માગ નબળી રહી છે એમ પણ રિઝર્વ બેન્ક દ્વારા વધુમાં જણાવાયું છે.