RCB Victory Parade IPL 2025 Royal Challengers Bengaluru Grand celebration: આઈપીએલ 2025માં પ્રથમ વખત ચેમ્પિયન બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB)ની ટીમનું બેંગલુરૂના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સન્માન સમારોહ યોજાયો હતો. આ પહેલા કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ વિધાનસભામાં ટીમનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત વિધાનસભા પહોંચ્યા હતા. આરસીબીના તમામ ખેલાડીઓ અને સ્ટાફને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.
ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે યોજવા જઈ રહેલા આરસીબીના સન્માન સમારોહમાં સામેલ થવા ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. મોટી સંખ્યામાં ચાહકો સ્ટેડિયમમાં અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હોવાથી નાસભાગ મચી હતી. જેમાં 11 લોકોના મોત થયા છે. 30થી વધુ લોકો ઘાયલ થયા છે. બેંગ્લુરૂમાં વરસાદ પણ શરૂ થઈ ચૂક્યો છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 6 વાગ્યે આરસીબીનો સન્માન સમારોહ યોજાયો હતો.
આ પણ વાંચો: બેંગલુરૂ નાસભાગ: કર્ણાટકના CMએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખની સહાય જાહેર કરી, PM મોદી અને રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું
2016 બાદ મળ્યો નવો ચેમ્પિયન
આરસીબીની આ જીત સાથે 2016 બાદ આઈપીએલ સીઝનમાં નવો ચેમ્પિયન મળ્યો છે. આઈપીએલ 2025માં આરસીબીના નવ ખેલાડીઓએ પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મેળવ્યો હતો.
કેપ્ટન અને કોહલીએ ચાહકોને સંબોધિત કર્યા
આરસીબી કેપ્ટન રજત પાટીદારે ચાહકોને આઈ લવ યુ કહીને સંબોધિત કરી રહ્યા હતાં. પાટીદારના સંબોધન બાદ વિરાટ કોહલીએ ચાહકોને સંબોધિત કર્યા હતાં. પરંતુ ચાહકો તેને બોલવા જ દેતાં ન હતાં, અને આરસીબી, કોહલીના નામથી બૂમો પાડી રહ્યા હતાં. હોસ્ટ દાનિશે વારંવાર ચાહકોને અવાજ બંધ કરી કોહલીને સાંભળવા અપીલ કરી હતી. પરંતુ ચાહકો ઉત્સાહમાં જોર-જોરથી બૂમો પાડી રહ્યા હતાં. અંતે કોહલીએ કહ્યું કે, ‘એ સાલા કપ નામદુ’
આ પણ વાંચો: ‘ઝડપથી કાર્યક્રમ પૂર્ણ કરવાનો છે’ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ બાદ બોલ્યો વિરાટ કોહલી
સમારોહની ભવ્ય ઉજવણી
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીની જીતની ભવ્ય ઉજવણી થઈ હતી. ટીમના ખેલાડીઓ, સ્ટાફ સભ્યો સહિત તમામ પીચ પર ટ્રોફી સાથે પરેડ કરી હતી. ભારે આતશબાજી પણ થઈ હતી. બીજી બાજુ મોટી સંખ્યામાં ચાહકો સ્ટેડિયમમાં જવા પડાપડી સર્જાઈ હતી. નાસભાગમાં અત્યારસુધી આશરે 11 લોકોના મોત થયા હોવાની સંભાવના છે. 30થી વધુ લોકો ઘાયલ થયા છે.
નાયબ મુખ્યમંત્રી ઘટના સ્થળે પહોંચ્યા
સ્ટેડિયમની નજીક થયેલી નાસભાગમાં લોકોના મોત પર દુઃખ વ્યક્ત કરતાં કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે જણાવ્યું હતું કે, અત્યારસુધી મૃતકો અને ઘાયલો ની ચોક્કસ સંખ્યાની ખાતરી થઈ નથી. હું ઘટના સ્થળે પહોંચી રહ્યો છું. સુરક્ષા અને ભીડને નિયંત્રિત કરવા માટે 5000થી વધુ પોલીસ સ્ટાફ તૈનાત હોવાનું પણ જણાવ્યું છે.
ખેલાડીઓ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચ્યા
ઓપન-ટોપ બસ પરેડ રદ થતાં ખેલાડીઓ વિધાન સભાથી સામાન્ય બસમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ પહોંચ્યા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ સ્ટેડિયમ પહોંચ્યા છે. સ્ટેડિયમમાં ભવ્ય ઉજવણી ટૂંકસમયમાં શરૂ થવાની છે.
ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક નાસભાગમાં 11ના મોત
ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આરસીબીનો સન્માન સમારોહ યોજાવાનો છે. જેમાં ભાગ લેવા મોટાપાયે ભીડ ઉમટી પડી છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક નાસભાગ થતાં 11 લોકોના મોત થયા હોવાના અહેવાલો મળ્યા છે. જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા હોવાની આશંકા છે. હજુ સુધી આ માહિતીની સત્તાવાર પુષ્ટી થઈ નથી. બીજી બાજુ બેંગ્લુરૂમાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે.
વિધાનસભાની બહાર ફેન્સની ભારે ભીડ
કર્ણાટકના વિધાનસભાની બહાર મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી છે. આઈપીએલ 2025ની ચેમ્પિયન ટીમનું સ્વાગત અને સન્માન કરવામાં આવશે. ચાહકો સ્ટેડિયમમાં અંદર જવા પડાપડી કરી રહ્યા હતાં.