Supreme Court: આપણા ગુજરાતના વતની, ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન ન્યાયાધીશ અને હજુ ગયા મહિને જ પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે બઢતી પામેલા જસ્ટિસ વિપુલ પંચોલીએ શુક્રવારે (29 ઓગસ્ટ) સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકેના વિધિવત શપથ ગ્રહણ કર્યા હતા. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ બી. આર. ગવઇએ જસ્ટિસ પંચોલીને તેમના હોદ્દા અને ગોપનીયતાના શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ સાથે જ સુપ્રીમ કોર્ટમાં જજીસનું કુલ સંખ્યાબળ 34નું થયુ છે, જેમાં હવે ગુજરાતના ત્રણ ન્યાયાધીશનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ દેશમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત શહેર કયું? મુંબઈ-દિલ્હી સહિત જાણો અન્ય શહેરોના હાલ
શુક્રવારે લીધા શપથ
શપથ ગ્રહણ કર્યા બાદથી જ જસ્ટિસ વિપુલ એમ. પંચોલીએ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકેનો પોતાનો પદભાર સંભાળી લીધો હતો. સુપ્રીમ કોર્ટ ખાતે શુક્રવારે સવારે યોજાયેલા વિશેષ શપથવિધિ સમારોહમાં જસ્ટિસ વિપુલ પંચોલીની સાથે જસ્ટિસ આલોક આરાધેએ પણ સુપ્રીમ કોર્ટ જજ તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા.
સુપ્રીમ કોર્ટમાં હવે ગુજરાતના ત્રણ ગુજરાતી ન્યાયાધીશ
જસ્ટિસ વિપુલ પંચોલીના શપથવિધિ સમારોહમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ, ગુજરાત હાઇકોર્ટ અને પટણા હાઈકોર્ટના તેમના સાથી ન્યાયાધીશ, પરિવારજનો-મિત્ર વર્તુળ અને ન્યાયિક પદાધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. જસ્ટિસ વિપુલ પંચોલીની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ તરીકે આજે શપથ વિધિ થતાંની સાથે જ સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના હવે ત્રણ ન્યાયાધીશ થઈ ગયા છે. કારણ કે, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ નિલય વી. અંજારિયા હાલ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ તરીકે સેવા આપી રહયા છે, હવે ગુજરાતના ત્રીજા જજ તરીકે જસ્ટિસ વિપુલ પંચોલીએ પણ કાર્યભાર સંભાળી લીધો છે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં કાલકાજીના મંદિરમાં સેવાદારની હત્યા, પ્રસાદ ન મળતાં શ્રદ્ધાળુઓએ ઢોર માર માર્યો હતો
કોણ છે જસ્ટિસ વિપુલ પંચોલી?
નોંધનીય છે કે, 28 મે, 1967ના દિવસે અમદાવાદમાં જન્મેલા વિપુલ પંચોલી 1 ઓક્ટોબર, 2014ના રોજ ગુજરાત હાઇકોર્ટના એડિશનલ જજ તરીકે નિયુકત થયા હતા અને 10 જૂન, 2016ના રોજ તેઓ હાઇકોર્ટના કાયમી ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ પામ્યા હતા. જુલાઈ-2023માં તેમને પટણા હાઇકોર્ટ મોકલાયા હતા અને હજુ થોડા સમય પહેલાં જ જસ્ટિસ વિપુલ એમ. પંચોલીને પટણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા હતા અને ત્યાંથી તેમને સીધા સુપ્રીમ કોર્ટમાં ન્યાયમૂર્તિ તરીકેની બઢતી અપાતાં ગુજરાતના ન્યાયતંત્રમાં ગૌરવ અને ખુશીની લાગણી પ્રસરી ગઈ છે.