Vadodara : વડોદરામાં માનસિક વિકૃત પતિની સાન ઠેકાણે લાવવા માટે પત્નીએ અભયમની મદદ લેતા પતિએ ટીમ સાથે પણ દૂર્વ્યવહાર કર્યો હતો.
અલકાપુરી વિસ્તારમાં રહેતી બે સંતાનની માતાએ ગઈકાલે રાત્રે અભયમની મદદ માગી હતી. તેણે કહ્યું હતું કે, અમારા લગ્નના 20 વર્ષ થયા છે, બે બાળકો છે અને તેમ છતાં પતિ બાળકોની સામે જ શારીરિક સંબંધ માટે આગ્રહ રાખે છે.
મહિલા એમ પણ કહ્યું હતું કે, મારો પતિ કાંઈ કામ ધંધો કરતો નથી અને રાત્રે બાળકો વાંચતા હોય તો પણ લાઈટ બંધ કરી દે છે અને તેમને અભ્યાસ કરવા દેતો નથી. મને નોકરી કરવા માટે તેમજ વૃદ્ધ સસરાને પણ પૈસા લાવવા માટે માનસિક ત્રાસ આપે છે. શારીરિક સંબંધ માટે ઇનકાર કરું તો મારઝુડ કરે છે.
અભયમની ટીમે પતિનું કાઉન્સેલિંગ કરતા પતિએ ટીમના સભ્યો સાથે પણ દૂર્વ્યવહાર કર્યો હતો અને પતિ તરીકેના અધિકારની વાત કરી અપમાનજનક વર્તન કર્યું હતું. જેથી અભયમની ટીમે પોલીસને બોલાવી કેસ સોંપી દીધો હતો.