Nikki Bhati Murder Case: નિક્કી ભાટીના કથિત દહેજ હત્યાનો કેસ આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. 21 ઓગસ્ટની રાત્રે સિરસા ગામમાં નિક્કી નામની યુવતીનું આગમાં મૃત્યુ થયું હતું. સાસરિયાઓએ નિક્કીની હત્યા કરી હોવાનો આરોપ લગાવાયો છે. મુખ્ય આરોપી નિક્કીનો પતિ વિપિન છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે મૃતકની બહેન દ્વારા બનાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવે છે. આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે મૃતકના છ વર્ષના પુત્રે જણાવ્યું કે તેના પિતાએ તેની માતાને આગ લગાવી દીધી હતી. આવામાં પ્રશ્ન એ ઊભો થાય છે કે એક બાળકની જુબાનીને કાયદો માન્ય રાખે છે ખરો?
આ પણ વાંચો: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ફરી ચર્ચામાં, પેન્શન માટે કર અરજી, જાણો કેટલા રૂપિયા મળશે
બાળકે શું નિવેદન આપ્યું?
નિક્કીના છ વર્ષના પુત્રે એવું નિવેદન આપ્યું હતું કે તેના પિતાએ તેની માતાને માર માર્યો હતો, તેના પર કંઈક રેડ્યું હતું અને પછી લાઇટરથી આગ લગાવી દીધી હતી. બાળકનું નિવેદન કેસમાં નિર્ણાયક સાબિત થઈ શકે એમ છે, પરંતુ શું બાળકની જુબાની કાયદો સ્વીકારે છે? એક વર્ગ એવું માને છે કે, બાળકો ક્યારેય જૂઠું બોલતા નથી, તેથી તેમના નિવેદનના આધારે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ. તો બીજું જૂથ એમ કહે છે કે, બાળકો ભોળા હોવાથી તેમને સરળતાથી ગેરમાર્ગે દોરી શકાય છે, તેથી તેમની જુબાની સ્વીકારવી ન જોઈએ. લોકો તો ગમે તે કહે, પણ આ મુદ્દે કોર્ટ શું માને છે, એ મહત્ત્વનું છે.
શું કહે છે કાયદો?
ભારતીય પુરાવા અધિનિયમ સાક્ષી બનવા માટે ઓછામાં ઓછી ઉંમરનો ઉલ્લેખ કરતો નથી, જેનો અર્થ એ છે કે બાળક ગમે તેટલું નાનું હોય, જો કોર્ટને લાગે કે તે પ્રશ્નો સમજી શકે છે અને વાસ્તવિક જવાબો આપી શકે છે, તો તેનું નિવેદન માન્ય ગણાય છે.
એક ઉદાહરણરૂપ કિસ્સો
વર્ષ 2025ની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટમાં એક કેસ આવ્યો હતો, જેમાં સાત વર્ષની છોકરી એકમાત્ર સાક્ષી હતી. આ કેસમાં તેના પિતા પર તેની માતાની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. છોકરીની સમજ કેટલી મજબૂત અને તાર્કિક છે, એ જાણવા માટે ન્યાયાધીશે પોતે છોકરી સાથે વાત કરી હતી. જ્યારે ન્યાયાધીશને ખાતરી થઈ ગઈ કે છોકરી બુદ્ધિશાળી છે અને સવાલોના તાર્કિક જવાબો આપે છે, ત્યારે તેમણે એ સાત વર્ષની છોકરીની જુબાનીને આધારે પિતાને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.
બાળ સાક્ષી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે
ભારતીય અદાલતો ઉંમરના આધારે કોઈની જુબાનીને નકારી કાઢતી નથી, પરંતુ કાચી વયના સાક્ષીનું નિવેદન નોંધવાની પ્રક્રિયા પુખ્ત વયના લોકો સાથેની પ્રક્રિયા કરતાં સંપૂર્ણપણે અલગ હોય છે.
પુખ્ત વયના સાક્ષીઓને સમન્સ મોકલીને કોર્ટમાં બોલાવવામાં આવે છે, જ્યારે બાળકો સાથે આવું થઈ શકતું નથી.
બાળકને લેવા અને મૂકવા માટે એક કાર અને એક રિસોર્સ પર્સન મોકલવામાં આવે છે.
સામાન્ય રીતે રિસોર્સ પર્સન એક એવી મહિલા હોય છે, જે બાળકો સાથે પ્રેમથી વ્યવહાર કરી શકે.
બાળ સાક્ષી માટે વિશેષ ખંડનો ઉપયોગ કરાય છે
બાળકની સાક્ષી લેવા માટે દરેક જિલ્લા કોર્ટમાં બનાવવામાં આવેલા બાળ સાક્ષી ખંડનો ઉપયોગ કરવામાં આવે છે.
બાળકની સુવિધા માટે સાક્ષી ખંડમાં ચોકલેટ, ચિપ્સ અને અન્ય ખાદ્ય પદાર્થો રાખવામાં આવે છે.
બાળકને આરોપીનો ચહેરો દેખાડવામાં આવે છે
બાળ સાક્ષી ખંડને અડીને બીજો રૂમ હોય છે, જેમાં ન્યાયાધીશ, સ્ટેનો, બચાવ પક્ષના વકીલ અને સરકારી વકીલ હાજર હોય છે.
સાક્ષી ખંડમાં બાળકે નાસ્તો કરવો હોય તો કરી લે, એ આરામદાયક થઈ જાય પછી એને થોડીક સેકન્ડ માટે આરોપીનો ચહેરો દેખાડવામાં આવે છે. એ સમયે જો બાળક ડરી જાય તો એને સંભાળવા માટે રિસોર્સ પર્સન એની સાથે હોય જ છે. રિસોર્સ પર્સન બાળકને શાંત પાડે છે અને પછી સમજાવીને જુબાની આપવા માટે તૈયાર કરે છે. એ પછી જ બાળકને પ્રશ્નો પૂછાય છે.
આ પણ વાંચો: મંદિરના પૈસા સરકારી નથી, ફક્ત દેવતાનો અધિકાર..’, તમિલનાડુ સરકારને હાઈકોર્ટનો ઝટકો
બાળકની પૂછપરછ ફેસ-ટુ-ફેસ નથી કરાતી
બાળકની સામે ન તો ન્યાયાધીશ આવે છે, ન વકીલ.
બાજુના રૂમમાં બેઠેલા ન્યાયાધીશનો ચહેરો બાળક એક સ્ક્રીન પર જોઈ શકે એવી ગોઠવણ કરવામાં છે.
વકીલ બાળકને પ્રશ્ન નથી પૂછી શકતા. વકીલો પોતાના પ્રશ્નો ન્યાયાધીશને આપી દે છે અને ન્યાયાધીશ જ બાળકને પ્રશ્નો પૂછે છે, એ પણ ખૂબ જ પ્રેમથી.
જો બાળક પ્રશ્ન સમજી ન શકે તો રિસોર્સ પર્સન બાળકને એ પ્રશ્ન સમજવામાં મદદ કરે છે. બાળક પ્રશ્નનો અર્થ સમજી લે, પછી જ એને જવાબ આપવાનું કહેવામાં આવે છે અને સ્ટેનો એનો જવાબ લખી લે છે.
નિવેદનની વિશ્વસનીયતાની બરાબર તપાસ કરાય છે
પુખ્ત વયના સાક્ષીનું નિવેદન ધમકી અથવા લાલચ દ્વારા બદલી શકાતું હોય છે. બાળ સાક્ષી સાથે પણ એમ બનવાની શક્યતા હોવાથી કોર્ટ આ બાબતે સચેત રહે છે.
જો ન્યાયાધીશને લાગે કે બાળક પોતાનું નિવેદન બદલી રહ્યું છે, તો ન્યાયાધીશ બાળકને એક જ પ્રશ્ન અલગ-અલગ રીતે પૂછે છે.
બાળકને એકદમ શાંતિથી અને પ્રેમપૂર્વક સવાલો પૂછાય છે.
એ પછી એનું નિવેદન નોંધીને એમાં કોઈ વિસંગતી તો નથી ને એની બરાબર તપાસ કરવામાં આવે છે.
બાળકની સલામતી આ રીતે જાળવવામાં આવે છે
બાળ સાક્ષી ભય કે દબાણ વિના જીવી શકે અને તેના બાળપણને અસર ન થાય તે માટે નીચે મુજબની તકેદારી લેવામાં આવે છે.
બાળકનું નામ ચાર્જશીટમાં લખવામાં આવતું નથી.
ચુકાદા દરમિયાન કે જુબાની લેતી વખતે તેનું નામ કે ઓળખ જાહેર કરવામાં આવતી નથી. તેના નામને બદલે ABC કે અન્ય કોઈ કોડ લખવામાં આવે છે.
બાળકની નજીકના લોકોને તો ખબર જ હોય છે કે બાળક કોઈ ચોક્કસ કેસમાં સાક્ષી છે, એટલે કે બાળકનું નામ સાવ ગુપ્ત તો નથી જ રહેતું, તેમ છતાં કોર્ટ બાળકનો કોઈ લેખિત રેકોર્ડ રાખતી નથી.
બાળકનું નિવેદન વધુ વિશ્વસનીય ગણાય છે?
કોર્ટ દ્વારા બાળકના નિવેદનની વિશ્વસનીયતા ખૂબ ઊંચી માનવામાં આવે છે. પુખ્ત વયની સાક્ષી પોતાનું નિવેદન બદલે તો તે કોઈ દબાણ અથવા લોભ હેઠળ આમ કરી રહી છે એમ સમજીને ન્યાયાધીશ તેની જુબાની નકારી કાઢે છે. પણ, બાળકના નિવેદનમાં બદલાવ જોવા મળે તો ન્યાયાધીશ એની જુબાની તરત નકારી નથી કાઢતા, બલ્કે એને બીજી તક આપવામાં આવે છે.