Dholka News: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ધોળકાના બદરખા ગામના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. પાણી ગામના તળાવમાં આવતાં તળાવ ઓફર ફ્લો થતાં ગામના મુખ્ય રસ્તાઓ પર કેડ-સમા અને ક્યાંક ક્યાંક માથા-સમા પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામના આહવા કુવા, વણકર વાસ, રબારી વાસ, ઠાકોર વાસ અને બલિયા દેવ મંદિર તરફના રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ વિસ્તારોમાં રહેતા લોકોને ઘરમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે.
માલધારીઓ માટે હાલાકી
પાણી ભરાવાને કારણે માલધારીઓ, સ્થાનિક રહીશો, શાળાએ જતા બાળકો અને વૃદ્ધોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. માલધારીઓને તેમના પશુઓને બાંધવા અને ઘાસચારો રાખવા માટે જગ્યાનો અભાવ સર્જાયો છે. પશુઓ પાણીમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, જેના કારણે તેમના સ્વાસ્થ્યને પણ અસર થઈ શકે છે. ગંદકીવાળું પાણી લોકોના ઘરો અને ફળિયામાં ભરાઈ ગયું છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે.
દેશી દારૂની થેલીઓ તણાઈ આવતા રોષ
આ પાણીમાં મોટા પ્રમાણમાં દેશી દારૂની ખાલી થેલીઓ તણાઈ આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે પાણી ભરાવાની સાથે સાથે આ પ્રકારની ગંદકીથી વાતાવરણ વધુ દૂષિત થઈ રહ્યું છે. લોકોએ આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.
સરકારી તંત્રની બેદરકારી
ગામલોકોનો આરોપ છે કે પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થાનો અભાવ હોવાને કારણે આવી પરિસ્થિતિ સર્જાય છે. સ્થાનિકોએ તંત્રને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે અપીલ કરી છે, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિનો સામનો કરવો ન પડે.