વડોદરાઃ હરિયાણાથી ત્રણ મહિના પહેલાં ભાગેલા સાધનસંપન્ન પરિવારના ૧૧ વર્ષીય વિદ્યાર્થીનું આજે વડોદરાની બાળકોની સરકારી સંસ્થા દ્વારા કાઉન્સેલિંગ કરીને તેના પરિવાર સાથે મેળાપ કરાવ્યો ત્યારે તેની માતા બાળકને ભેટીને રડી પડી હતી.
હરિયાણાના ફરિદાબાદના ૧૧ વર્ષીય કાના નામના વિદ્યાર્થીના પિતા ધંધામાં વ્યસ્ત તેમજ માતા દુબઇમાં નોકરી કરતી હોવાથી પુત્રને ગુરુકુળમાં મોકલવાનું વિચારતા હતા. જે વાત સાંભળી ત્રણ મહિના પહેલાં કાનો ઘરમાંથી પલાયન થઇ ગયો હતો.
જલંધર સહિતના જુદાજુદા સ્થળે રઝળતો કાનો ખાનગી સ્થળે કામ કરતા૧૬ વર્ષના એક સગીરના સંપર્કમાં આવ્યો હતો. જ્યાં ચોરી કરતી ગેંગ સાથે મળીને પૈસા કમાવવાની વાત ચાલતી હતી.પરંતુ ૧૬વર્ષના સગીરે તેને તેમ કરતા અટકાવ્યો હતો અને બંને જણા છ દિવસ પહેલાં ટ્રેનમાં વડોદરા આવ્યા હતા.
રેલ્વે પોલીસે તેમને પકડીને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝમાં મુક્યા હતા.જ્યાં મેહુલ લાખાણી અને સંધ્યાબેને તેમનું કાઉન્સેલિંગ કરતાં ૧૧ વર્ષનો વિદ્યાર્થી કોઇ જ વિગત આપતો નહતો.પરંતુ તેના મિત્રએ વિદ્યાર્થી પાસે દુબઇ રહેતી તેની માતાનો મોબાઇલ નંબર હોવાની જાણ કરી હતી.
આખરે કાઉન્સિલરોએ વિદ્યાર્થીને હરિયાણા નહિ મોકલવાની ખાતરી આપી વડોદરામાં એડમિશન માટે ડોક્યુમેન્ટ મંગાવાના માતાનો મોબાઇલ નંબર જરૃરી હોવાનું કહેતાં વિદ્યાર્થીએ નંબર લખાવ્યો હતો અને તેને આધારે માતાને જાણ કરાતાં તે પતિ સાથે વડોદરા આવી હતી અને પુત્રને જોઇ ચોધાર આંસુએ રડી પડી હતી.