– બાલાસિનોરના નવા વસાદરા ગામમાં
– પશુપાલકોએ પૂજન કરી ઘીવાળી સૂખડીનો પ્રસાદ દીવા ઉપર ફેરવી પશુઓને ખવડાવી બાધા- આખડી લીધી
બાલાસિનોર : મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના નવા વસાદરા ગામે આવેલ ઝાલા બાપજી ના મંદિરે દર વર્ષે પરંપરાગત રીતે ભાદરવા માસના બીજા રવિવારે ઝાલા બાપજીનો મેળો ભરાય છે. જેમાં પશુપાલકો પોતાના પશુઓની બાધા આખડી લેવા માટે આવતા હોય છે. આ વર્ષે પણ ભાદરવા માસના બીજા રવિવારે ઝાલા બાપજીના મંદિરે વર્ષોથી ચાલતી પરંપરા મુજબ નવા વસાદરા ગામ તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં પશુપાલકો સહિતના લોકો ઉમટયા હતા. જેમાં લોકોએ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની પણ ખરીદી કરી હતી. દર્શનાર્થે આવેલા પશુપાલકોએ પોતાના દૂધાળા પશુઓના દીર્ઘ આયુષ્ય માટે અને આખું વર્ષ દૂધ આપનારા બની રહે તે માટે ઝાલા બાપજીની પૂજા અર્ચન કરીને બાધા આખડી લીધી હતી. પશુપાલકોએ મંદિરે ઘીવાળી સૂખડીનો પ્રસાદ દીવા ઉપર ફેરવીને પોતાના પશુઓને ખવડાવ્યો હતો. જેનાથી પશુઓનું આખુ વર્ષ સુમય અને દીર્ઘાયુ રહે અને મનોકામના પૂર્ણ થાય તેવી લોક માન્યતા છે. વરસાદી માહોલમાં પણ ૧૦ હજારથી વધારે લોકો મેળામાં ઉમટયા હતા.