– 16 વર્ષની સગીરાને ખેતરેથી ઉપાડી ગયો હતો
– પોસ્કો હેઠળ ગુનો દાખલ કરી દુષ્કર્મ આચરનારા ધોળકાના શખ્સની ધરપકડ કરવામાં આવી
તારાપુર : તારાપુર તાલુકાના ફતેપુરામાં ખેતરમાંથી સગીરાનું અપહરણ કરી અવાર- નવાર બળાત્કાર ગુજારવા અંગે પોસ્કો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. ત્યારે આ અંગે ધોળકાના યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
અમદાવાદ જિલ્લાના ધોળકાની દીવાની કોર્ટ પાસે રહેતો જયેશભાઈ સંજયભાઈ વાઘેલા (દેવીપુજક) ઉં.વ. ૨૪ (આશરે) ગત તા.૩૧/૩/૨૫ સોમવાર બપોરના દોઢેક વાગ્યાના અરસામાં તારાપુર તાલુકાના ફતેપુરા સીમમાં આવેલા ખેતરમાંથી એક ૧૬ વર્ષની સગીરાને લલચાવી પટાવી ફોસલાવી અપહરણ કરીને લઈ ગયો હતો. બાદમાં જયેશ વાઘેલાએ સગીરા પર અવાર નવાર બળાત્કાર ગુજાર્યો હતો.
આ અંગે સગીરાની માતાને જાણ થતા તેમણે ગતરોજ તારાપુર પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ અપહરણ અને બળાત્કાર અંગે ફરિયાદ કરતા તારાપુર પોલીસે આરોપી જયેશભાઈ સંજયભાઈ વાઘેલા (દેવીપુજક) વિરૂદ્ધ પોસ્કો હેઠલ ગુનો દાખલ કર્યો હતો. ત્યારે ગતરોજ આરોપી જયેશભાઈ સંજયભાઈ વાઘેલા (દેવીપુજક)ની ધોળકા ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.