– મનપાએ કુંડ ન બનાવતા વિસર્જન અંગે સવાલો
– ફાયર કે પોલીસ તંત્ર દ્વારા તરવૈયા કે બોટની સુવિધા નહીં હોવાથી લોકોના જીવનું જોખમ
સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમ ખાતે પ્રતિબંધ હોવા છતાં મોટી સંખ્યામાં લોકો ગણેશજીની મૂર્તિ વિસર્જન માટે પહોંચ્યા હતા. મનપા તંત્રએ કુંડ નહીં બનાવતા લોકોને વિસર્જન ક્યાં કરવું તે અંગે પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે ફાયર કે પોલીસ વિભાગ દ્વારા ડેમ ખાતે કોઈ તરવૈયા કે સુવિધા ઉપલબ્ધ ન હોવાથી લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ગણપતિજીની સ્થાપના બાદ પાંચ દિવસ પૂર્ણ થતા માનતાના ગણપતિજીનું પરિવારો દ્વારા વિસર્જન શરૂ કરી દેવાયું છે. ત્યારે સુરેન્દ્રનગર મનપા દ્વારા મૂર્તિ વિસર્જન માટે કોઈ કુંડની સુવિધા ઉપલબ્ધ કરાઈ નથી. ત્યારે પીવાના પાણી માટે આરક્ષિત ડેમ હોવાતી અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો ધોળી ધજા ડેમ ખાતે ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે પહોંચ્યા હતા. મનપાના ફાયર બ્રિગેડ કે પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની તકેદારીની વ્યવસ્થા પણ કરાઈ ન હતી. તરવૈયાઓ કે ફાયર વિભાગની બોટ પણ તૈનાત ન કરાતા લોકોના જીવ જોખમમાં મૂકાયા હતા. હજૂ મોટું વિસર્જન બાકી છે ત્યારે તાત્કાલિક કુંડની વ્યવસ્થા ફાયર બ્રિગેડ સહિતની સુવિધાઓ જળાશયો અને ધોળીધજા ડેમ પર પોલિસ બંદોબસ્ત ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.