અમદાવાદ, રવિવાર
અમદાવાદમાં બેફામ વાહન હંકારવાના કારણે હિટ એન્ડ રન અને અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે. નરોડા રોડ ઉપર વૃદ્ધ રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલી કારના ડ્રાઇવરે ટક્કર મારતા વૃદ્ધ બોનેટ ઉપરથી રોડ ઉપર પટકાતા સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કારની ટક્કરથી રોડ ક્રોસ કરતા વૃદ્ધ બોનેટ પરથી પટકાતાં માથા સહિત શરીરે ગંભીર ઇજાથી મોત
નરોડા રોડ ઉપર અરવિંદ મીલ સામે આધેડે ટ્રાફિક ઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કારના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની સાથે રહેતા અને તેમના 60 વર્ષના મોટા ભાઇ ગઇકાલે મોડી રાતે ચાલીના નાકે બેઠા હતા અને ત્યાં હાજર ઓળખીતા જમાદારને મળવા માટે ગયા હતા અને રોડ ક્રોેસ કરીને આવી રહ્યા હતા આ સમયે કાલુપુર તરફથી પૂરઝડપે કાર આવી રહી હતી.
જ્યાં કારના ડ્રાઇવરે અમદુપુરા અરવિંદ મીલ સામે વૃદ્ધને ટક્કર મારતાં તેઓને માથા અને હાથે-પગે ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન મોત થયું હતું, અકસ્માત કરીને કારનો ડ્રાઇવર કાર મૂકીને ભાગી ગયો હતો. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધીને સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.