અમદાવાદ : જવેલરી ઉદ્યોગના નિષ્ણાતોએ જણાવ્યું હતું કે લગ્નની મોસમ શરૂ થઈ ગઈ હોવાથી, ઝવેરાત ઉદ્યોગ હવે આ ઊંચા ભાવે માંગ પાછી આવશે કે કેમ તે અંગે ચિંતા કરી રહ્યો છે. હાલના ઊંચા ભાવે સોનું નીચલા અને મધ્યમ વર્ગની પહોંચની બહાર જઈ રહ્યું છે, જેઓ જથ્થાની દ્રષ્ટિએ સૌથી મોટા ખરીદદાર છે. સોનાના ભાવમાં સતત વધારાને કારણે ઘરેણાંની માંગમાં ઘટાડો જોવા મળ્યો છે.
એક સર્વે મુજબ, સામાન્ય ધારણા એવી છે કે ફક્ત શ્રીમંત લોકો જ સોનું ખરીદે છે, પરંતુ તેનાથી વિપરીત, ૫૬ ટકા સોનું એવા લોકો દ્વારા ખરીદવામાં આવે છે જેઓ ૨ લાખ રૂપિયાથી ૧૦ લાખ રૂપિયાની આવક જૂથમાં આવે છે. ૨૦૨૨ થી સોનાની કિંમત બમણી થઈ ગઈ છે, પરંતુ આ આવક ધરાવતા લોકોની બચતમાં વધારો થયો નથી, તેથી તેમની સોનું ખરીદવાની ક્ષમતા ઘટી ગઈ છે.
સોનાનો આંતરરાષ્ટ્રીય ભાવ વધીને ૩,૦૦૦ ડોલર પ્રતિ ઔંસથી વધુ થયો છે. એક ઔંસ આશરે ૨૮.૩૫ ગ્રામ થાય છે. આ ભાવ વધીને હવે ૩,૧૦૦ ડોલર થવાની ગણતરી મુકાય છે. જોકે, ટેકનિકલી, ટૂંકા ગાળામાં પૂરતી સોનાની ખરીદી થઈ છે. જ્યારે તેની ખરીદી ખૂબ વધી જાય છે, ત્યારે તેનું વળતર શરૂ થાય છે.
અમેરિકાની ટેરિફ નીતિએ એવો પણ ભય પેદા કર્યો છે કે સોના અને ચાંદી પરની ડયુટી પણ વધારી શકાય છે, જેના કારણે તેનો ભૌતિક સ્ટોક અમેરિકા મોકલવામાં આવી રહ્યો છે અને તેના કારણે કિંમતમાં વધારો થયો છે.
આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશને જણાવ્યું હતું કે, લગ્ન સંબંધિત માંગ છે, પરંતુ ઓછા કેરેટ અને ઓછા વજનના ઘરેણાં તરફ લોકોનો ઝોક વધી રહ્યો છે. હાલમાં, ૧૪ કેરેટથી વધુ શુદ્ધતાવાળા સોનાને હોલમાર્ક કરવામાં આવે છે. હીરા જડેલા ઝવેરાત બનાવવા માટે લોઅર કેરેટ જ્વેલરી, ખાસ કરીને ૧૮ કેરેટનો ઉપયોગ થાય છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર, ૨૦૨૩ના માર્ચ ક્વાર્ટરમાં ૩૪.૮ ટન જૂનું સોનું રોકડમાં વેચાયું હતું. માર્ચ ૨૦૨૪ ક્વાર્ટરમાં ૩૮.૩ ટન સોનું વેચાયું હતું અને ચાલુ માર્ચ ક્વાર્ટરમાં આ આંકડો પાર થઈ શકે છે. જૂના ઘરેણાંની સામે નવા ઘરેણાંના વિનિમયમાં પણ તેજી આવી છે અને ટૂંક સમયમાં કુલ વેચાણનો અડધો હિસ્સો બની શકે છે.