Vadodara : ભારતીય વાયુસેના એરમેન સિલેકશન સેન્ટર, મુંબઈ દ્વારા ગુજરાત રાજ્યના તમામ જીલ્લાઓ તેમજ દમણ, દીવ અને દાદરા-નગર હવેલીના 17.5 થી 21 વર્ષ વયના (જન્મ તારીખ 1 જાન્યુઆરી 2005 થી 1 જુલાઈ 2008 વચ્ચેના) અપરણીત મહીલા ઉમેદવારો માટે અગ્નિવીર વાયુ માટેની ઓપન ભરતી રેલી તા. 30 ઓગસ્ટ 2025ના રોજ એરફોર્સ સ્ટેશન, દરજીપુરા, વડોદરા ખાતે યોજાઈ હતી.
આ ભરતી રેલીનું આયોજન જીલ્લા વહીવટી તંત્ર તથા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સહકારથી કરવામાં આવ્યું હતું, જેમાં 400થી વધુ મહીલા ઉમેદવારોએ ભાગ લીધો હતો. ભરતી રેલી માટે 10+2/ઈન્ટરમીડિયેટ (બારમા ધોરણ) અથવા તેના સમકક્ષ લાયકાત ધરાવતા તેમજ ડીપ્લોમા ઈન મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઈલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ, કમ્પ્યુટર સાયન્સ, ઈન્સ્ટ્રુમેન્ટેશન ટેકનોલોજી, ઈન્ફોર્મેશન ટેકનોલોજી અથવા બે વર્ષના વોકેશનલ કોર્ષમાં 50% ગુણ તથા અંગ્રેજી વિષયમાં પણ ઓછામાં ઓછા 50% ગુણ ધરાવતા અપરણીત મહીલા ઉમેદવારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
સવારે 5.00 વાગ્યાથી 10.00 વાગ્યા સુધી ઉમેદવારોને પ્રવેશ અપાયો હતો. પ્રાથમિક ચકાસણી બાદ ઉમેદવારોને 1600 મીટરની સીધી ટ્રેક પર દોડ, 10 સીટ-અપ્સ અને 20 સ્ક્વોટ્સ (ઉઠક-બેઠક) કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 50 પ્રશ્નો ધરાવતી લેખિત પરીક્ષા લેવાઈ હતી, જેમાં અંગ્રેજી, રીઝનિંગ અને જનરલ અવેરનેસ વિષય આવરી લેવામાં આવ્યા હતા. લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોને એડેપ્ટીબીલીટી ટેસ્ટ-1 અને એડેપ્ટીબીલીટી ટેસ્ટ-2 લેવાયા હતા.