Rapar News : કચ્છના રાપરમાં રવેચી મંદિર ખાતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં વાગડ પંથકના સહિતના લોકો આવી રહ્યા છે. તેવામાં મેળામાં મારામારીની ઘટના સર્જાઈ છે, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. જેમાં ચકડોળમાં બેસવા મામલે બે યુવકો વચ્ચે ખેંચતાણ થતાં એકને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. જોકે, સમગ્ર મામલે પોલીસને જાણ થતાં મામલો થાળે પાડ્યો હતો.
રાપર ખાતે યોજાયેલા મેળામાં ગાળાગાળી અને મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, એક યુવકે મજાક કરતા મામલો બિચક્યો હોવાનું જણાય છે. જેમાં ઘટનાને પગલે મેળામાં હાજર લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.
આ પણ વાંચો: અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો શરૂ, લાખો શ્રદ્ધાળુઓ માટે કંટ્રોલરૂમ અને હેલ્પ ડેસ્ક શરૂ કરાયા
સમગ્ર મામલે રાપર પોલીસે જણાવ્યું હતું કે, ‘ચકડોળમાં બેસવા બે યુવક વચ્ચે ખેંચતાણ થઈ હતી. જેમાં એક યુવકને માથાના ભાગે ઈજા થઈ હતી. જોકે, એટલામાં પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવીને મામલો થાળે પાડ્યો હતો અને બંને પક્ષે સમાધાન થયુ હતું.’