વડોદરા,તરસાલી દિવાળીપુરા સ્લમ ક્વાટર્સ પાસે ગઇકાલે રાતે ગણેશજીના પંડાલ પાસે યુવકો બેઠા હતા. તે દરમિયાન અચાનક કાંકરીચાળો થતા લોકો ડરના માર્યા એકદમ ઉભા થઇ ગયા હતા. પથ્થર પડયા હોવાની દહેશતના પગલે લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. બનાવની જાણ થતા પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે દોડી જઇ મામલો સંભાળી લીધો હતો.
બનાવની વિગત એવી છે કે, તરસાલી દિવાળીપુરા સ્લમ ક્વાટર્સ પાસે યુવક મંડળ દ્વારા ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામા ંઆવી છે. ગઇકાલે રાતે યુવકો પંડાલ નજીક બેઠા હતા. તે દરમિયાન અચાનક પથ્થર પડતા લોકો એકદમ ઉભા થઇ ગયા હતા. પંડાલ નજીક પહેલાથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવેલો હોઇ પોલીસ તરત દોડી આવી હતી. પથ્થર પડતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. પોલીસે તેઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, લોકોમાં ભારે રોષ હોઇ પરિસ્થિતિ વણસે તેમ હોઇ ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને મકરપુરા પોલીસનો સ્ટાફ દોડી ગયા હતા.સ્થાનિક કોર્પોરેટર દ્વારા પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
પોલીસે પંડાલ નજીક ફિટ થયેલા સીસીટીવીના ફૂટેજ ચેક કરતા શાંતિથી બેઠેલા યુવકો કંઇક પડતા સફાળા ઉઠી ગયા હોવાનું જણાઇ આવે છે. જેથી, કાંકરીચાળો થયો હોવાનું અનુમાન છે. પોલીસ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સ્થળે બંને કોમના લોકો રહે છે. જોકે, હજીસુધી આ અંગે કોઇ ગુનો દાખલ થયો નથી. ગઇકાલ રાતના બનાવ પછી પોલીસ દ્વારા તમામ ગણેશ પંડાલો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.