Amended Waqf Bill : વક્ફ સંશોધન બિલ બીજી એપ્રિલે લોકસભામાં રજૂ કરવામાં આવશે. બિલ પર ચર્ચા માટે 12 કલાકના સમયની માંગ કરવામાં આવી હતી, જોકે છેવટે ચર્ચા માટે આઠ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે. પ્રશ્નકાળ બાદ બિલ પર ચર્ચા શરૂ થશે. ચર્ચા બાદ આવતીકાલે જ બિલ પસાર કરવા અંગે પણ નિર્ણય લેવાઈ શકે છે.
ક્યારે બન્યું વક્ફ બોર્ડ?
1954માં સંસદમાં બિલ પસાર થયા બાદ વક્ફ બોર્ડ અસ્તિત્વમાં આવ્યું હતું
1955માં દરેક રાજ્યમાં વક્ફ બોર્ડ માટે કાયદો બનાવાયો
1964માં કેન્દ્રીય વક્ફ પરિષદની રચના કરાઇ
1995માં પહેલીવાર વક્ફ એક્ટમાં ફેરબદલ કરાયા
અત્યારે સમગ્ર ભારતમાં જુદા જુદા રાજ્યોમાં થઈને કુલ 32 વક્ફ બોર્ડ છે
વક્ફ બોર્ડને કયા કયા અધિકાર છે?
કોઈ પણ જમીન કે સંપત્તિ લઈને ટ્રાન્સફર કરી શકે છે
કોઈ પણ વ્યક્તિને કાયદાકીય નોટિસ આપવાનો અધિકાર
ચલ-અચલ સંપત્તિઓનું રજીસ્ટ્રેશન અને દેખરેખ રાખવાનો અધિકાર
વક્ફ બિલને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી
નોંધનીય છે કે અગાઉ વક્ફ બિલ તૈયાર કરવામાં આવ્યું હતું બાદમાં તેને વિસ્તૃત ચર્ચા માટે JPCમાં મોકલવામાં આવ્યું હતું. JPCમાં પક્ષ અને વિપક્ષના નેતાઓની ચર્ચા બાદ બિલમાં સુધારા વધારા કરવા માટે ભલામણ કરવામાં આવી હતી. જે બાદ કેન્દ્રીય કેબિનેટ દ્વારા નવા બિલને મંજૂરી આપવામાં આવી હતી.
નીતિશ કુમારે સસ્પેન્સ વધાર્યું
વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકારના વક્ફ સંશોધન બિલનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ NDAનો દાવો છે કે ભાજપના તમામ સાથી પક્ષો પણ બિલને સમર્થન આપશે. જોકે નીતિશ કુમાર અને ચિરાગ પાસવાને સસ્પેન્સ વધારી દીધું છે. બંને નેતાઓના પક્ષે હજુ સુધી બિલને સમર્થન આપવાની સત્તાવાર જાહેરાત કરી નથી.
બે નેતાઓના નિવેદન
નીતિશ કુમારના પક્ષ JDUના નેતા ગુલામ ગૌસે સરકારને બિલ પાછું ખેંચવા અપીલ કરે છે, તેમણે કહ્યું છે કે ખેડૂત આંદોલન ચાલ્યું ત્યારે ઘણું નુકસાન થયું હતું, અને અંતે બિલ પરત ખેંચવું પડ્યું હતું. મારો પક્ષ આ બિલનું સમર્થન કરે છે એવું કહી શકાય નહીં, કારણ કે અમારા મુખ્યમંત્રી નીતિશ કુમારે આ મુદ્દે કોઈ નિવેદન આપ્યું નથી.
JDUના બીજા નેતા લલન સિંહે આ મુદ્દે કહ્યું હતું કે અમે અમારો પક્ષ સંસદમાં મૂકીશું. અમારે વિપક્ષ પાસેથી સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. નીતિશ કુમારને કોંગ્રેસના પ્રમાણપત્રની જરૂર નથી. કોંગ્રેસે આટલા વર્ષ રાજ કર્યું પણ મુસ્લિમો માટે શું કર્યું? નીતિશ કુમારે મુસ્લિમોના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્થાનનું કામ કર્યું છે.