– ચાલુ વર્ષે છેલ્લા 8 માસમાં અલંગમાં આવનારા જહાજની સંખ્યા 75 થઈ
– અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગમાં પ્રવર્તેલી સ્થિરતાઃ હાલ 25 થી 30 પ્લોટમાં જ રિસાયક્લિંગની કામગીરી શરૂ
ભાવનગર : અલંગ શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ મંદીના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આ ઉદ્યોગમાં મંદીની સીધી અસર જિલ્લાના અર્થતંત્ર પર પડી રહી છે. અલંગમાં ગત ઓગસ્ટ માસમાં કુલ ૧૧ શિપ પોતાની આખરી સફરે આવ્યા છે. વર્ષ-૨૦૨૫ના છેલ્લા ૮ માસમાં અલંગમાં કુલ ૭૫ શિપ બીચ થયાં છે. તેજીના આશાવાદ વચ્ચે શિપ રિસાક્લિંગ ઉદ્યોગમાં હાલ સ્થિરતા પ્રવર્તેલી છે.
ભાવનગરની આર્થિક કરોડરજ્જૂ ગણાતા અને એશિયાના સૌથી મોટા શિપ બ્રેકિંગ યાર્ડ અલંગનો શિપ રિસાયક્લિંગ ઉદ્યોગ હાલ મંદીના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે. શિપ રિસાયક્લિંગ ઈન્ડસ્ટ્રીમાં મંદીની સીધી અસર જિલ્લાના અર્થતંત્ર પર પડી રહી છે. ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રારંભમાં અલંગમાં આવતા શિપની સંખ્યા સિંગલ ડિજિટમાં હતી. જેમાં બાદમાં ધીરે-ધીરે વૃદ્ધિ જોવા મળી હતી. ગત જુલાઈ માસમાં અલંગમાં ૧૨ શિપ આવ્યા બાદ ઓગસ્ટ-૨૦૨૫માં અલંગમાં ૧૧ શિપ બીચ થયાં હતા. આમ, છેલ્લા બે-ત્રણ મહિનાથી અલંગ શિપ રિસાક્લિંગ ઉદ્યોગમાં સ્થિરતા જોવા મળી રહી છે. ચાલુ વર્ષ ૨૦૨૫ના જાન્યુઆરીથી જુનના ૮ માસના સમયગાળામાં અલંગમાં કુલ ૭૫ શિપ બીચ થયાં છે. તેમજ છેલ્લા ત્રણ નાણાંકીય વર્ષના ઓગસ્ટ મહિનાની સરખામણીએ ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ના ઓગસ્ટ માસમાં સૌથી વધારે શીપ આવ્યા છે. જેમાં નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ૦૩, ૨૦૨૩-૨૪માં ૭ અને ૨૦૨૪-૨૫માં ૧૦ શિપે અલંગની આખરી સફર ખેડી હતી. હાલ અલંગના ૧૩૧ પ્લોટ પૈકી ૨૫થી ૩૦ પ્લોટમાં શિપ રિસાક્લિંગની કામગીરી ચાલ રહી છે.
ભારત-નોર્વેની સંયુક્ત વર્કશોપથી તેજીનો આશાવાદ
શિપ રિસાક્લિંગ ક્ષેત્રે આંતરરાષ્ટ્રિય સહયોગ વધારવા માટે ભારત અને નોર્વેની સંયુક્ત વર્કશોપ ગત તા.૨૧ અને ૨૨ ઓગસ્ટના રોજ ભાવનગર ખાતે આયોજીત કરવામાં આવી હતી. જેમાં બંન્ને દેશોના પક્ષકારો વચ્ચે ટેકનોલોજીના આદાન-પ્રદાન, વર્કસ સેફ્ટિ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ નોર્વેના પ્રતિનિધિ મંડળે આ દરમિયાન અલંગની પણ મુલાકાત લીધી હતી ત્યારે બન્ને દેશો વચ્ચે થયેલા આ વર્કશોપ બાદ અલંગમાં તેજીનો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
છેલ્લા 8 માસમાં અલંગમાં આવેલા શીપ
માસ |
શીપ |
જાન્યુઆરી |
૧૦ |
ફેબુ્રઆરી |
૧૦ |
માર્ચ |
૧૧ |
એપ્રીલ |
૦૯ |
મે |
૦૪ |
જુન |
૦૮ |
જુલાઈ |
૧૨ |
ઓગસ્ટ |
૧૧ |
કુલ |
૭૫ |