– પેટલાદના સંજાયા ગામમાં શોકનું મોજુ
– આણંદના મંગળપુરાના ગંભીર દાઝી ગયેલા યુવકને હોસ્પિટલમાં તબીબે મૃત જાહેર કર્યો
આણંદ : પેટલાદ તાલુકાના સંજાયા ગામે આજે ધામક કાર્યક્રમના વરઘોડા દરમિયાન ધજાની પાઇપ વીજ લાઈનને અડી જતા વીજ કરંટ લાગવાના કારણે યુવકનું મોત થયું હતું. ઘટનાના પગલે ગામમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
પેટલાદ તાલુકાના સંજાયા ગામે આજે ભાદરવી નોમ નિમિત્તે નેજાનો વરઘોડો નીકળ્યો હતો. આણંદના મંગળપુરા વિસ્તારમાં રહેતો ૨૪ વર્ષીય જયેશકુમાર અર્જુનભાઈ પરમાર પણ ધજા સાથે વરઘોડામાં જોડાયો હતો. વરઘોડો ગામની ડેરી નજીકથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે જયેશ પરમારે પકડેલી ધજાની પાઇપ ઉપરથી પસાર થઈ રહેલી વીજ લાઈનને સ્પર્શી જતા જયેશ પરમારને જોરદાર ઝાટકો લાગતા તે પટકાયો હતો. ગંભીર રીતે દાઝી ગયેલા જયેશને તુરંત જ સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મહેળાવ પોલીસે અપમૃત્યુની નોંધ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.