– સીજીએસટી અને એસજીએસટીના કલેક્શનમાં વધારો જોવા મળ્યો: આઈજીએસટી અને સેસનુંં કલેક્શન મંદ પડયું
– ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવકના વધારામાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુનો મોટો ફાળો
અમદાવાદ : ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ઓગસ્ટ ૨૦૨૫ની આવક રૂ. ૧.૮૬ લાખ કરોડને આંબી ગઈ છે. ઓગસ્ટ ૨૦૨૪માં જીએસટીની થયેલી આવકની તુલનાએ આ વરસે જીએસટીની આવકમાં ૬.૫ ટકાનો વધારો થયો છે. ૨૦૨૪ના ઓગસ્ટમાં જીએસટીની આવક રૂ. ૧.૭૫ લાખ કરોડની થઈ હતી. જોકે જુલાઈ ૨૦૨૫માં જીએસટીની આવક રૂ. ૧.૯૬ લાખ કરોડ થઈહતી. તેની સરખામણીમાં ઓગસ્ટમાં જીએસટીની આવકમાં ઘટાડો થયો છે. ઓગસ્ટ ૨૦૨૫માં જીએસટી રિફંડ ઘટીને રૂ.૧૯,૩૫૯ કરોડનું થઈ ગયું છે.પરિણામે ઓગસ્ટમાં રિફંડ પછીની જીએસટીની આવકમાં ૧૦ ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. રિફંડમાં ૨૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આવકના વધારામાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુનો મોટો ફાળો છે. આ ચાર રાજ્યોએ મળીને જીએસટીની કુલ આવકમાં ૩૩ ટકાનો ફાળો આપેલો છે.બીજીતરફ ઇમ્પોર્ટ ડયૂટીની આવક રૂ. ૫૦,૦૦૦ કરોડતી ઘટીને રૂ. ૪૯,૩૦૦ કરોડ થઈ છે. જ્યારે જુલાઈ ૨૦૨૫માં મર્ચન્ડાઈઝ ઇમ્પોર્ર્ટ વધી ગયું છે. ઓગસ્ટ મહિનાની આવકમાં તેનો પણ પ્રભાવ જોવા મળી રહ્યો છે. ભારતમાંથી થતી નિકાસકારો તરફથી માગવામાં આવતા રિફંડમાં ૧૮ ટકાનો ઘટાડો ઓગસ્ટ ૨૦૨૫માં જોવા મળ્યો છે. અમેરિકાના પ્રમુખે શરૂ કરેલી ટેરિફ વૉરના પ્રભાવ હેઠળ આ ઘટાડો જોવા મળ્યો છે. આ પડકારોને પહોંચી વળવા માટે ભારત સરકાર અન્ય દેશો સાથેના વેપાર વધારવામાં સક્રિય થઈ ગઈ છે. તેની અસર આગામી દિવસોમાં જોવા મળશે. ભારતની નિકાસ સ્પર્ધાત્મક રહે તેવા દરેક પ્રયાસો કેન્દ્ર સરકાર કરી રહી છે.
સેન્ટ્રલ જીએસટી અને સ્ટેટ જીએસટીના કલેક્શનમાં વધારો જોવા મળી રહ્યો છે. તેની સામે આઈજીએસટીના અને સેસના કલેક્શનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજીતરફ હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ અને કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ નીચે જઈ રહ્યા હોવાથી પણ જીએસટીના કલેક્શનમાં ઘટાડો થઈ શકે છે. જોકે નવરાત્રિ અને દિવાળીના તહેવારો આવી રહ્યા હોવાથી આગામી મહિનાઓમાં જીએસટીનું કલેક્શન વધી જવાની સંભાવના છે. છતાંય ૨૦૨૪ના સપ્ટેમ્બર અને ઓક્ટોબરની તુલનાએ ૨૦૨૫ના સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કેવી આવક રહે છે તેના પર સહુની નજર છે. ૨૦૨૫ના વર્ષના એપ્રિલ મહિનામાં જીએસટીનું સૌથી વધુ કલેક્શન થયું હતું. એપ્રિલ ૨૦૨૫માં રૂ. ૨.૩૭ લાખ કરોડની જીએસટીની આવક થઈ હતી.